રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિની રાજયવ્યાપી ઉજવણીનો પ્રારંભ શનિવારે ગાંધીનગરથી થયો છે. આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે, મેઘાણીના જન્મ સ્થળ ચોટિલામાં મેઘાણી સ્મારક – મ્યૂઝિયમ નિર્માણ માટે રાજય સરકારે પાંચ કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. મેઘાણી રચિત લોકસાહિત્ય, શૌર્ય રચના, ગદ્ય-પદ્ય, સાહિત્ય અને સ્વતંત્રતાના સંગ્રામમાં જન જુવાળ જગાવવાના મેઘાણીના પ્રદાનને આ મ્યુઝિયમના માધ્યમથી યુવાપેઢી આવનારી પેઢીમાં સદાકાળ જીવંત પ્રેરણારૂપ
રાખવાનો આ પ્રયાસ મેઘાણીને યથોચિત ભાવાંજલી છે. આ વર્ષે દેશ આખો આઝાદીના ૭૫મા વર્ષની આઝાદીના અમૃત મહોત્સવ તરીકે જન ઉમંગથી ઉજવણી કરી રહ્યો છે.
આઝાદીનો અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫ મી જન્મ જયંતીનો અવસર બંનેનો સુભગ સમન્વય જન-જનમાં નવી રાષ્ટ્રીય ચેતના, સ્ફુરણા પ્રેરિત કરશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આઝાદી મેળવવા જે શહીદો જે બલિદાન આપ્યા તેમના માં ભારતી ને વિશ્વ ગુરુ બનાવવાના સપના સાકાર થાય, આવા વીરોની છલોછલ રાષ્ટ્રભક્તિ અને મેઘાણીની સાહિત્ય શૌર્ય રચનાઓ આજની પેઢીને દેશ માટે સમર્પિત થવાની પ્રેરણા આપે તે માટે આખું વર્ષ “કસુંબલ રંગે” ના અનેક કાર્યક્રમો યોજાશે.
મુખ્ય પ્રધાને ગાંધીનગરમાં નિર્માણ થનારા ગુજરાત સાહિત્ય અકાદમીના ભવન મેઘાણી સાહિત્ય ભવનનું ઇ- ખાત મુહુર્ત કરવા સાથે મેઘાણી જીવન-કવન ની વેબસાઈટ લોન્ચ કર્યા હતા. તેમણે રાજ્યના ગ્રંથાલયો માટે મેઘાણી સાહિત્ય સંપુટ અર્પણ અને સાહિત્ય ગૌરવ પુરસ્કારો પણ એનાયત કર્યા હતા. રાષ્ટ્રીય શાયર મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતીની આ ઉજવણી અન્વયે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. તેમણે મેઘાણીની રચનાઓ ની લોક કલાકારો દ્વારા થયેલી શોર્યભરી પ્રસ્તુતિ પણ માણી હતી.
સાહિત્ય અકાદમી અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડયા એ સૌને આવકારી સમગ્ર આયોજનની રૂપરેખા આપતા કહ્યું હતું કે, આઝાદી અમૃત મહોત્સવ, મેઘાણી ૧૨૫મી જન્મ જ્યંતી અને ગુજરાત સાહિત્ય અકાદમીના મેઘાણી ભવનનું શિલાન્યાસ જેવી ઐતિહાસિક ઘટનાનું ત્રિવેણી સંગમ થયું છે. સાહિત્ય અકાદમી દ્વારા ત્રણ આંતરરાષ્ટ્રીય સંસ્થા સાથે રહીને દેશ-વિદેશના સાહિત્યકારો સાથે સંવાદ યોજવામાં આવ્યો છે. તેમજ ૫૦ સ્થળો ખાતે સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી છે.