અમદાવાદ સ્થિત ટોરેન્ટ ગ્રૂપે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સનો બહુમતી હિસ્સો મેળવવા માટે યુરોપિયન પ્રાઇવેટ ઇક્વિટી કંપની CVC કેપિટલ પાર્ટનર્સ સાથે સમજૂતી કરી છે. હાલમાં સીવીસી કેપિટલ ટીમની માલિક છે અને ફેબ્રુઆરી 2025માં માલિકીનો લોક-ઇન સમયગાળો પૂરો થાય છે. આ પછી ટોરેન્ટ ગ્રુપ ગુજરાતની ટીમનું માલિક બનશે, એમ સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.
ગૌતમ અદાણીનું અદાણી ગ્રૂપ પણ ગુજરાત ટાઇટન્સ ખરીદવાની રેસમાં હતું, પરંતુ રેસમાંથી પાછળ હટી ગયું હોવાનું માનવામાં આવે છે. સૂત્રે જણાવ્યું હતું કે “ગુજરાત ટાઇટન્સ માટે ટોરેન્ટ અને CVC વચ્ચે જેન્ટલમેન એગ્રીમેન્ટ થઈ છે કારણ કે લોક-ઇન પીરિયડ સમાપ્ત થયા પછી જ ઔપચારિક ડીલ પર હસ્તાક્ષર કરી શકાય છે.”
ટોરેન્ટ ગ્રૂપ ગુજરાત ટાઇટન્સમાં બહુમતી હિસ્સો હસ્તગત કરે તેવી શક્યતા છે, જ્યારે CVC ફ્રેન્ચાઇઝીમાં નોંધપાત્ર લઘુમતી હિસ્સો જાળવી શકે છે. આ સોદામાં ગુજરાત ટાઇટન્સનું મૂલ્ય એક બિલિયન ડોલર આંકવામાં આવ્યું હોવાનો અંદાજ છે. અન્ય એક સૂત્રએ જણાવ્યું હતું કે અદાણી ગ્રૂપે કદાચ ગુજરાત ટાઇટન્સના ઊંચા પ્રાઇસ-ટેગને કારણે રેસમાંથી પીછેહઠ કરી છે.
અદાણી અને ટોરેન્ટ બંનેએ 2021માં IPLની અમદાવાદ ફ્રેન્ચાઈઝીને હસ્તગત કરવા માટે બિડ કરી હતી. અદાણી ગ્રુપ અને ટોરેન્ટે અમદાવાદ ફ્રેન્ચાઈઝી માટે અનુક્રમે રૂ. 5,100 કરોડ અને રૂ. 4,653 કરોડની બિડ કરી હતી. જોકે CVCએ 2021 માં રૂ.5,625 કરોડની બિડ કરીને બંને કંપનીઓને મહાત આપી હતી.