ટેરિફ
REUTERS/Carlos Barria/File Photo

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વધુ આઠ દેશો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. તેમણે કોપરની આયાત પર 50 ટકા તથા બ્રાઝિલથી થતી તમામ આયાત પર 50 ટકા ડ્યૂટીની પણ જંગી જાહેરાત કરી હતી. આ તમામ નવી ટેરિફો પહેલી ઓગસ્ટ 2025થી અમલી બનશે. ટ્રમ્પે હજુ સુધી ભારત, યુકે કે યુરોપિયન દેશો પર પારસ્પરિક ટેરિફની લાદી નથી. ભારત અને યુરોપ સાથે અમેરિકા ટૂંકસમયમાં વચગાળાની વેપાર સમજૂતી કરે તેવી ધારણા છે.

બ્રાઝિલ માટેની “પારસ્પરિક” ટેરિફ 10%થી વધીને 50% થઈ છે. ટેરિફનું આ પ્રમાણ ઘણું જ અસાધારણ છે. મંગળવારે કેબિનેટની બેઠક દરમિયાન ટ્રમ્પે સૌપ્રથમ કોપર ટેરિફનો ઉલ્લેખ કર્યો, જેના કારણે કંપનીઓએ ચિલી અને અન્ય મુખ્ય સપ્લાયર્સ પાસેથી શક્ય તેટલી વહેલી તકે કોપર આયાત કરવા માટે ધસારો ચાલુ કર્યો હતો.
ટ્રમ્પે વધુ 7 દેશો સામે જંગી ટેરિફના પત્રો જારી કર્યા

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ સાત દેશો સામે ટેરિફ પત્રો જારી કરીને 30 ટકા સુધીની રેસિપ્રોકલ ટેરિફ લાદવાની ધમકી આપી છે. આ દેશો પર પહેલી ઓગસ્ટ 2025થી રેસિપ્રોકલ ટેરિફનો અમલ થશે. સાત દેશોમાં શ્રીલંકા, ફિલિપાઇન્સ, બ્રુનેઇ, માલ્દોવા, અલ્જેરિયા, લિબિયા, ઇરાકનો સમાવેશ થાય છે.

આ સપ્તાહની શરૂઆતમાં ટ્રમ્પે 14 દેશો માટે ટેરિફ પત્રો જારી કર્યા હતાં અને હવે વધુ સાત દેશો સામે જંગી ટેરિફની ધમકી આપી છે. ફિલિપાઇન્સ પર 20, બ્રુનેઇ પર 25 ટકા, માલ્ડોવા પર 25 ટકા, અલ્જેરિયા પર 30 ટકા, લિબિયા પર 30 ટકા અને ઇરાક પર 30 ટકા ટેરિફની નિર્ધારિત કરાઈ છે.

અગાઉ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે અમે કાલે સવારે વેપાર સંબંધિત ઓછામાં ઓછા 7 દેશો માટેના પત્રો જારી કરીશું અને બપોર પછી બીજા વધુ દેશોના નામ જાહેર કરાશે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.

અગાઉ બે એપ્રિલે ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલા તેમના સ્વ-ઘોષિત લિબરેશન ડેના કાર્યક્રમમાં ભપકા સાથે પત્રો જારી કર્યા હતાં. તે સમયે તેમણે ટેરિફના દર દર્શાવતા પોસ્ટરબોર્ડ પ્રદર્શિત કર્યા હતાં, જેના કારણે શેરબજારો ભારે ઘટાડો થયો હતો. તેનાથી ટ્રમ્પે 90 દિવસ સુધી ટેરિફને સ્થગિત કરવી પડી હતી. પરંતુ આ વખતે એવો કોઇ ભભપકાર કાર્યક્રમ યોજાયો ન હતો.

આ અંગે ટ્રમ્પે જણાવ્યું હતું કે તે એક સારો રસ્તો છે. તે એક વધુ પાવરફૂલ રસ્તો છે. અમે તેમને એક પત્ર મોકલીએ છીએ. તમે પત્ર વાંચો. મને લાગે છે કે તે કુનેહપૂર્વકનું છે. તેમાં માત્ર આંકડા છે કે તમારે 25%, 35% ચૂકવવા પડશે.
સોમવારના ટેરિફ પત્રોની જાહેરાત બાદ, જાપાન, દક્ષિણ કોરિયા અને દક્ષિણ આફ્રિકા સહિત 14 દેશોને સત્તાવાર પત્રવ્યવહાર મોકલવામાં આવ્યો હતો, જેમાં 25 ટકાથી 40 ટકા સુધીની જંગી આયાતજકાતની વિગતો અપાઈ હતી. સોમવારે ટ્રમ્પે જાપાન પર 25 ટકા, દક્ષિણ કોરિયા પર 25 ટકા, મ્યાનમાર પર 40 ટકા, લાઓસ પર 40 ટકા, દક્ષિણ આફ્રિકા પર 30 ટકા, કઝાકિસ્તાન પર 25 ટકા અને મલેશિયા પર 25 ટકા ડ્યૂટીનો ઉલ્લેખ કરતાં પત્રો મોકલ્યાં હતાં. આવા પત્રો ટ્યુનિશિયા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, કંબોડિયા, બોસ્નિયા અને હર્ઝેગોવિના, સર્બિયા અને થાઇલેન્ડ જેવા દેશો માટે પણ હતા, જેમાં 25 ટકાથી 36 ટકા સુધીની ડ્યુટી હતી.

 

LEAVE A REPLY