અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ 20 જુલાઈ 2020ના રોજ વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાતચીત કરી રહ્યા છે. . (Photo by Doug Mills-Pool/Getty Images)

કોરોના પીડિત પરિવારો, વેપાર સમુદાયને કોરોના સહાયમાં વિલંબની શક્યતા અંગે ચોમેરથી નારાજગીના સૂર ઉઠતા પ્રમુખ ટ્રમ્પે મર્યાદિત સ્ટીમ્યુલસ પેકેજ પહેલ આદરી છે. સર્વગ્રાહી પેકેજ માટે ડેમોક્રેટીક પાર્ટી સાથે મંત્રણા તથા નવા ખર્ચ માટે ઇન્કાર કરનાર ટ્રમ્પે વ્યક્તિગતોને સ્ટીમ્યુલસ ચેક, એરલાઇન્સને સહાયની તૈયારી બતાવતો ટ્વીટર સંદેશો પાઠવ્યો હતો.

અમેરિકન કંપનીઓ, કર્મીઓ માટે પોતે એકમાત્ર લડતા હોવાનો સંદેશો આપવા મથતા ટ્રમ્પે ડેમોક્રેટો સાથેની મંત્રણા નકારીને મોટી ભૂલ કર્યાનું હાઉસ સ્પીકર નેન્સી પેલોસીએ જણાવ્યું હતું. પેલોસી તથા ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન નુચિન ઘણા સપ્તાહોથી વેપાર-ધંધાને મદદ કરી નાદારી રોકવા, બેરોજગારી લાભ વધારવા અંગે મંત્રણા કરતા હતા પરંતુ સહાયના કદ અંગે સંમતિ થઇ નથી.

અમેરિકન વેપારધંધામાં 20 મિલિયન રોજગાર ઘટાડામાંથી અડધોઅડધ મજબૂતી પાછી ફરી છે. પરંતુ નવા કર્મીની ભરતી ઘટી છે. લેઓફ પણ ચાલુ છે. રાજ્યો અને સ્થાનિક સરકારોને નવી સહાય વિના શિક્ષકો, પોલીસ, અગ્નિશમનદળમાં રોજગાર ઘટાડાની ફરજ પડશે તેવી શક્યતા છે.

પ્રમુખ ટ્રમ્પે આક્ષેપ મૂક્યો હતો કે ખરાબ શાસનવાળા ડેમોક્રેટ રાજ્યોને મદદ કરવા નેન્સી પેલોસી રાહત પેકેજ વધારવા માંગે છે. ટ્રમ્પે 1200 ડોલરના સ્ટીમ્યુલસ ચેક તથા 135 બિલિયન ડોલરથી નાના ઉદ્યોગોને સહાયની ઓફર કરી હતી. દરમિયાનમાં સેન્ટ્રલ બેંકના વડા જેરોમી પોવેલે વધુ સહાય માટે અનુરોધ કર્યો હતો ત્યારે મિનેપોલીસ ફેડરલના વડા નીલ કાશ્કારીએ નીતિ ઘડવૈયાઓને જોશભેર ભેગા મળી કર્મચારીઓને મદદ કરવા જણાવ્યું હતું.

પ્રમુખ ટ્રમ્પની આંશિક સહાય બાદ વ્હાઇસ હાઉસના અધિકારીઓએ ચૂંટણી પૂર્વે નવા સ્ટીમ્યુલસ અંગેની શક્યતા નકારી હતી. વ્હાઇટ હાઉસ સ્ટાફના વડા માર્ક મેડોસે જણાવ્યું કોઇ પણ પહેલ સાથે સંકળાવા તેઓ તૈયાર છે પરંતુ કોઇ સર્વગ્રાહી સમજૂતિની તેઓને આશા નથી.