File istck

ગ્રાહકોએ ખરીદેલા લેપટોપની ડીલીવરી ડાયવર્ટ કરીને લગભગ £20,000ના એપલ લેપટોપ કમ્પ્યુટર્સની ચોરી કરવા બદલ ડર્બીના બાયરન સ્ટ્રીટના રવિ ચંદારાણાને 18 મહિનાની જેલની સજા કરાઇ હતી અને 100 કલાક અવેતન કામ કરવા આદેશ અપાયો હતો. તો બક્સબર્ન વૉક, રુશી મીડ, લેસ્ટર ખાતે રહેતા દીપ અઢીયાને 13 મહિનાની જેલની સજા કરાઇ હતી અને 80 કલાક અવેતન કામ અવેતન કામ કરવા આદેશ અપાયો હતો. બન્નેની સજા બે વર્ષ માટે સસ્પેન્ડેડ રહેશે.

રવિ ચંદારાણઆએ લોજિસ્ટિક્સ કંપની, DHLમાં નોકરી દરમિયાન પકડાઇ ન જાય તે માટે પોતાના સાથી કર્મચારીની લોગ ઇન ડીટેઇલ્સનો ઉપયોગ કરીને કંપનીની સીસ્ટમમાં પ્રવેશ કર્યો હતો. તે એપલ લેપટોપ મંગાવનાર ગ્રાહકોની માહિતીનો ઉપયોગ કરીને તે DHL કસ્ટમર સર્વિસનો સંપર્ક કરતો હતો અને ગ્રાહકોના લેપટોપની પેટ્રોલ સ્ટેશનો, સુપરમાર્કેટ્સ અને કન્વીનીયન્સ સ્ટોર્સની બહારના વિવિધ પબ્લિક પાર્સલ લોકર્સને પહોંચાડવા જણાવતો હતો. તે માહિતી પોતાના પિતરઇ ભાઇ દીપ અઢીયાને આપતો હતો. તેના આધારે દીપે દેશભરમાં અનામી પાર્સલ કલેક્શન લૉકરોમાંથી સાત લેપટોપ એકત્રિત કર્યા હતા.

લેસ્ટર ક્રાઉન કોર્ટમાં, 28 વર્ષના રવિ ચંદારાણાએ £19,501ના લેપટોપની ચોરીની કબૂલાત કરી હતી અને £15,175ના વધુ સરસામાન મેળવવાનો પ્રયાસ કર્યો હતો. 26 વર્ષના દીપ અઢીયાએ £10,410ના મૂલ્યના સાત ચોરેલા લેપટોપ હેન્ડલ કરવાનું સ્વીકાર્યું છે.

સેમ્યુઅલ સ્કિનરે કોર્ટને જણાવ્યું હતું કે ‘’નવેમ્બર 2016થી જુલાઈ 2017ની વચ્ચે આ ગુના આચરવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન, એપલ લેપટોપ ખરીદનારા લોકોને યુકેમાં ડી.એચ.એલ. કુરિયર કંપની દ્વારા પહોંચાડવામાં આવ્યા હતા.”

ડી.એચ.એલ.એ આ વર્ક પેટર્ન પારખીને રવિએ જે ફાઇલો ખોલી હતી તેના આધારે રવિના સહકાર્યકરની તપાસ કરી હતી. અઢીયાને તેના મોબાઇલ ફોન, સીસીટીવી ફૂટેજ અને ઓટોમેટીક નંબર પ્લેટ રેકગ્નિશન પુરાવાના આધારે પોલીસ તપાસમાં પકડવામાં આવ્યો હતો. રવિ ચંદારાણાના બેંક ખાતામાં શંકાસ્પદ રોકડ રકમ જમા કરાવાઇ હોવાનુ અને તેણે અઢીયાના ખાતામાં કુલ £3,709ની રકમ ટ્રાન્સફર કરાવી હોવાનું બહાર આવ્યું હતું.

કોર્ટમાં જણાવાયું હતું કે 2015માં અઢીયાએ ડીલીવરી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો ત્યારે એપલ આઇફોન્સવાળા બૉક્સ ચોર્યા હતો. જે માટે તેને 12 મહિનાના કોમ્યુનિટી ઓર્ડરની સજા કરાઇ હતી. ચંદારાણાને અગાઉ કોઈ સજા થઇ નથી.

સજા ફરમાવતા જજ ઇબ્રાહામ મુન્સીએ જણાવ્યું હતું કે ‘’ગૂમ થયેલ લેપટોપમાંથી એક પણ પ્રાપ્ત થયું નથી. ચંદારાણા તમે બીજાને મુશ્કેલીમાં મુકવા તૈયાર હતા, પરંતુ સદભાગ્યે તે વ્યક્તિ (સાથી કર્મચારી)ની લાંબો સમય તપાસ થઇ નહોતી. તમે બંને બુદ્ધિશાળી છો, પરંતુ અપ્રમાણિક અને લોભી પણ છો.”