યુકેમાં વિદેશથી આવતા ડબલ-રસી મેળવનાર પ્રવાસીઓએ 11 ફેબ્રુઆરીના રોજ સવારે 4 વાગ્યા પછી કોરોનાવાયરસ ટેસ્ટીંગ કરાવવું પડશે નહિં. એટલે કે પાત્ર મુસાફરોએ હવે પોસ્ટ-અરાઇવલ લેટરલ ફ્લો ટેસ્ટ (LFT) કરાવવાની જરૂર રહેશે નહીં. આ ફેરફારથી પરિવારોના એક જ ટ્રીપમાં લગભગ £100 બચશે.

ઇન્ડસ્ટ્રી બોડી એરલાઇન્સ યુકેએ આ જાહેરાતને વધાવી લઇ તેને “સીમાચિહ્ન દિવસ”  ગણાવ્યો હતો.  વિદેશ પ્રવાસનું આયોજન કરતી ટ્રાવેલ ફર્મ્સ અને પરિવારોને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રાન્સપોર્ટ સેક્રેટરી, ગ્રાન્ટ શેપ્સે જણાવ્યું હતું કે “તેનો અર્થ એ છે કે સંપૂર્ણ રસીવાળા લોકોએ હવે યુકેની મુસાફરી કરતી વખતે માત્ર પેસેન્જર લોકેટર ફોર્મ ભરવાનું રહેશે. 18થી નીચેની વયના લોકોને ડબલ-રસીકરણ ધરાવતા મુસાફરો તરીકે ગણવામાં આવશે. 12 થી 15 વર્ષની વયના લોકો આંતરરાષ્ટ્રીય આઉટબાઉન્ડ મુસાફરી માટે ડિજિટલ NHS પાસ દ્વારા તેમની રસીકરણની સ્થિતિ સાબિત કરી શકશે.’’

યુકે ચીન અને મેક્સિકો સહિત 16થી વધુ દેશોના રસીના પ્રમાણપત્રોને પણ માન્યતા આપવા માટે તૈયાર છે. આમ વિશ્વભરના 180 થી વધુ દેશોની રસીની માન્યતા અપાઇ છે.