MP Nusrat Ghani (C) during a demonstration. (Photo by JUSTIN TALLIS/AFP via Getty Images)

એક્સક્લુઝીવ

  • સરવર આલમ દ્વારા

એમપી નુસરત ગનીએ પોતાના ‘મુસ્લિમપણાં’ના કારણે મંત્રી પદની ફેરબદલમાં કાઢી મૂકવામાં આવી હોવાના દાવા પછી કન્ઝર્વેટિવ પાર્ટીના પ્રભાવશાળી ટોરી રાજકારણીએ કહ્યું છે કે અશ્વેત અને એશિયન પ્રધાનો સાથે પાર્ટીને સમસ્યા છે.

‘મુસ્લિમ મહિલા મંત્રીના સ્ટેટસથી સાથીદારો અસ્વસ્થતા અનુભવે છે’ તેવા આરોપસર કોમન્સ ડિસ્પેચ બોક્સમાંથી બોલનાર સૌ પ્રથમ મુસ્લિમ મહિલા ગનીને 2020માં ટ્રાન્સપોર્ટ વિભાગમાં તેમના પદ પરથી હટાવાયા હતા.

નામ ન આપવાની શરતે એક રાજકારણીએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે “તેમાં કોઈ શંકા નથી કે તેઓ (મુસ્લિમ સાંસદો) માટે મુશ્કેલ સમય છે. હું કહીશ કે ત્યાં વધુ (ભેદભાવ) છે. પરંતુ પ્રમાણિકપણે, તે માત્ર મુસ્લિમ વિરોધી નથી, તે એન્ટી-બ્રાઉન, એન્ટી-બ્લેક, પ્રકારનું વલણ છે. મને લાગે છે કે કન્ઝર્વેટિવ પાર્ટીએ તેને ઢાંકી દીધો તેમાં કોઈ શંકા નથી. તેઓ તેને બહાર દેખાવા દેશે નહીં. તેણી નિર્ભય છે. તેણે ઉઇગુર વિશે વાત કરી છે અને તે એવા લોકોમાંની એક છે કે જેના પર ચીન દ્વારા સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તથ્ય એ છે કે તેને ખૂબ વ્યાપક સમર્થન મળ્યું છે, તેણીને સાથીદારો પસંદ કરે છે.”

સન્ડે ટાઈમ્સ (તા. 23) સાથેની એક મુલાકાતમાં, વિલ્ડનના એમપી ગનીએ યાદ કર્યું હતું કે તેણીની બરતરફી દરમિયાન તેને વ્હીપ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેણી “પાર્ટી પ્રત્યે વફાદાર નથી કારણ કે મેં ઇસ્લામોફોબિયાના આરોપો સામે પક્ષનો બચાવ કરવા માટે પૂરતું કર્યું નથી”.

જો કે વ્હીપનું નામ અપાયું ન હતું, પરંતુ કન્ઝર્વેટિવ પાર્ટીના ચીફ વ્હીપ માર્ક સ્પેન્સરે ગયા શનિવારે આગળ આવી આરોપોને “સંપૂર્ણપણે ખોટા” ગણાવ્યા હતા.

માનવામાં આવે છે કે ગનીએ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદને ખાનગીમાં વાત કરી હતી જેમણે આ મુદ્દાની ગંભીરતા સ્વીકારી તેને આ બાબત આગળ વધારવા કહ્યું હતું.

જુલાઈ 2020માં ગનીએ વડા પ્રધાન બોરિસ જૉન્સન સાથે વાત કરતા તેમણે પક્ષને ફરિયાદ કરવા કહ્યું હતું. પરંતુ તેણીને લાગ્યું હતું કે સ્વતંત્ર સંસ્થાએ “સરકારી બિઝનેસમાં જે બન્યું” તેની તપાસ કરવી જોઈએ. સોમવારે તા. 24ના રોજ જૉન્સને ગનીના દાવાઓની કેબિનેટ તપાસનો આદેશ આપ્યો હતો.

જાવિદને સાક્ષી તરીકે બોલાવાય તેવી અપેક્ષા છે. જાવિદે ગનીને કંઝર્વેટિવ પાર્ટી માટેનું શ્રેય ગણાવી ઔપચારિક ફરિયાદ કરવા માટે મજબૂત સમર્થન આપવાની જાહેરાત કરી હતી. એજ્યુકેશન સેક્રટેરી નદીમ ઝહાવી પણ ગનીના સમર્થનમાં બહાર આવ્યા હતા.

ટોરી પાર્ટી વિરુદ્ધ ઈસ્લામોફોબિક હોવાની ફરિયાદોની લાંબી યાદીમાં ગનીના આરોપો નવીન છે. પક્ષે 2019 માં આ મુદ્દાની તપાસ શરૂ કરી હતી, જેનું નેતૃત્વ પૂર્વ ઇક્વાલીટી એન્ડ હ્યુમન રાઇટ કમિશ્નર પ્રોફેસર સ્વરણ સિંહ દ્વારા કરવામાં આવ્યું હતું.

તેમના અહેવાલમાં જાણાવાયું હતું કે 2015 અને 2020ની વચ્ચે ટોરીઝના ફરિયાદ ડેટાબેઝમાં 727 ઘટનાઓને લગતી 1,418 ફરિયાદો નોંધવામાં આવી હતી. જેમાંથી બે તૃતીયાંશ મુસ્લિમ વિરોધી ભેદભાવના આરોપો સંબંધિત હતી.

ટોરી પક્ષના ઇસ્લામોફોબિયાના આરોપો અંગેના લાંબા ગાળાના ટીકાકાર બેરોનેસ સઇદા વારસીએ જણાવ્યું હતું કે તેણી માને છે કે કન્ઝર્વેટિવ પાર્ટીમાં “ઇસ્લામોફોબિક જાતિવાદને રેસીઝમના અન્ય સ્વરૂપોની જેમ ગંભીરતાથી જોવામાં આવતું નથી અને મીડિયા સામેલ ન થાય ત્યાં સુધી ભાગ્યે જ પગલાં લેવામાં આવે છે.”

બેરોનેસ વારસીએ ઇક્વાલીટીઝ એન્ડ હ્યુમન રાઇટ્સ કમિશનને (EHRC)ને હસ્તક્ષેપ કરવા માટે જણાવતા રનીમીડ ટ્રસ્ટ, વીમેન એન્ડ ઇક્વાલીટીઝ કમીટી થિંક-ટેન્ક, મુસ્લિમ એન્ગેજમેન્ટ એન્ડ ડેવલપમેન્ટ (મેન્ડ), અને મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટને તેમને ટેકો આપ્યો હતો.

કન્ઝર્વેટિવ મુસ્લિમ ફોરમના સ્થાપક, પ્રમુખ અને ટોરી પીઅર લોર્ડ મોહમ્મદ શેખે પણ જૉન્સનને સ્વતંત્ર તપાસ શરૂ કરવા વિનંતી કરી કહ્યું છે કે ‘’હું ગનીના દાવાથી ‘વ્યગ્ર’ હતો. તેણીને ‘સાથીદારો દ્વારા બહિષ્કૃત’ કરાઇ હોવાનું લાગે છે અને જો તે આરોપો જાહેર કરશે તો તેની ‘કારકિર્દી અને પ્રતિષ્ઠા નાશ પામશે. નુસરત ગનીએ કહ્યું હતું કે તેને ડરાવવામાં આવી છે. આપણે સ્વતંત્ર વ્યક્તિ દ્વારા તપાસ કરવી જોઈએ. વડા પ્રધાન કેબિનેટ ઓફિસની તપાસ કરાવી રહ્યા છે તે શ્રેષ્ઠ છે. આ તપાસમાં નુસરત ગની અને મુખ્ય દંડક માર્ક સ્પેન્સર પણ હોવા જોઇએ. ગનીનો ઇન્ટરવ્યુ લઇ પૂછવું જોઈએ કે કયા લોકોએ તમને સમસ્યા ઊભી કરી? આપણે તમામના ઈન્ટરવ્યુ લેવાની જરૂર છે. માત્ર ઈમેઈલ અને ટેક્સ્ટ મેસેજની આપલે જોવાની જરૂર નથી. તપાસનો અહેવાલ જાહેર થવો જોઈએ. જેમણે ખરાબ વર્તન કર્યું હોય તેમને જવાબદાર ઠેરવવા જોઈએ. જેથી કન્ઝર્વેટિવ પાર્ટીમાં આવું કંઈ ફરી ન થાય.’’

લોર્ડ શેખે પાર્ટીના સહ-અધ્યક્ષ ઓલિવર ડાઉડેનને પત્ર લખી પ્રોફેસર સિંઘના નિર્દેશોને લાગુ કરવા માટે પક્ષે લીધેલા પગલાં અંગે અપડેટ મેળવવા અને પક્ષ ઇસ્લામોફોબિયા શબ્દને વ્યાખ્યાયિત કરવામાં આટલી ધીમો કેમ છે તે જાણવા માંગ્યું છે.  2019માં બ્રિટિશ મુસ્લિમો માટે સર્વપક્ષીય જૂથ દ્વારા ઇસ્લામોફોબિયા માટે એક વ્યાખ્યા બનાવવામાં આવી હતી.

લોર્ડ શેખે કહ્યું, “અમારે ઇસ્લામોફોબિયા શબ્દની વ્યાખ્યા કરવાની જરૂર છે. મેં 2019 માં હાઉસ ઓફ લોર્ડ્સમાં આ વાત ઉઠાવતા કહેવાયું હતું કે બે સલાહકારોની નિમણૂક કરવામાં આવશે. ગયા નવેમ્બરમાં, મેં ફરીથી મુદ્દો ઉઠાવ્યો, પરંતુ બે વર્ષના ગાળામાં કંઈપણ થયું નથી. મને કહેવામાં આવ્યું હતું કે માત્ર એક સલાહકારની નિમણૂક કરવામાં આવી છે. ભલે તમે મુસ્લિમ, કે હિંદુ કે ગમે તે હો. અમારા જેવા લોકો કે જેઓ ઉપખંડમાંથી આવ્યા છે તેઓ બ્રિટિશ સમુદાયનો ભાગ છે, અને તેથી, અમારી સાથે આદર સાથે વ્યવહાર કરવાની જરૂર છે, અમે સુખાકારીમાં ઘણું યોગદાન આપ્યું છે.”

ઑલ પાર્ટી ગૃપ ઑફ બ્રિટિશ મુસ્લિમ્સના વાઇસ-ચેરવુમન, લેબર સાંસદ નાઝ શાહે અગાઉ જણાવ્યું હતું કે, “ઇસ્લામોફોબિયાની વ્યાખ્યાને સ્વીકારવા માટે સરકારની સંપૂર્ણ ઉપેક્ષા એ દર્શાવે છે કે તે જાતિવાદના વાસ્તવિક સ્વરૂપનો સામનો કરવા માટે કેટલી વિચારણા કરે છે.”

સરકારે અત્યાર સુધી નિયુક્ત કરેલા ઈસ્લામના એકમાત્ર સલાહકાર ઈમામ કારી અસીમે મંગળવારે તા. 25ના રોજ ખુલાસો કર્યો હતો કે અસંખ્ય પત્રો અને ઇમેઇલ્સ મોકલવા છતાં તેઓ સરકાર તરફથી જવાબ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.

વડા પ્રધાન જૉન્સનના ભાવિ પર શંકા સાથે, લોર્ડ શેખે કહ્યું કે ‘’યુકેમાં ટૂંક સમયમાં ઋષિ સુનક, પ્રીતિ પટેલ અથવા જાવિદ જેવા એશિયન વડા પ્રધાન હોઈ શકે છે. આ અત્યાર સુધીનું સૌથી વૈવિધ્યસભર કેબિનેટ છે. હું માનું છું કે યુકે એશિયન વડા પ્રધાન માટે તૈયાર છે. આયર્લેન્ડને અડધા ભારતીય વડા પ્રધાન મળ્યા હતા. રોગચાળા દરમિયાન ઋષિ સુનક અને સાજિદ જાવિદનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. જો ઋષિ વડા પ્રધાન બને તો મોટું પદ મેળવવાની આશા સાથે સાજિદ રિશીનું સમર્થન કરી શકે છે. મને લાગે છે કે તેઓ ફોરેન સેક્રેટરી બનવાનું પસંદ કરશે. સુનકે તેમની પ્રતિષ્ઠામાં વધારો કર્યો છે અને દેશમાં વ્યાપક સમર્થન ધરાવતી વ્યક્તિ છે. આર્થિક કટોકટી અને સંભવિત મંદીમાંથી દેશને બહાર લાવવા ઋષિ વધુ સારી વ્યક્તિ છે.”

પોવેલની બેઠકનું પ્રતિનિધિત્વ કરતા ભૂતપૂર્વ કન્ઝર્વેટિવ સાંસદ પૌલ ઉપ્પલે જણાવ્યું હતું કે ‘’મારા સમયે કોઈ જાતિવાદનો સામનો કર્યો નથી. મારા સાથીદારો અને સામાન્ય લોકો બ્રિટિશ એશિયન વડા પ્રધાનને “ખુલ્લા હાથે” આવકારશે.