સેવાભાવી સંસ્થા-સેવા ટ્રસ્ટ યુકે (ઇન્ડિયા) હરિયાણા અને પંજાબમાં શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ અને સામાજિક કલ્યાણ માટે કાર્યરત છે. આ સંસ્થા દ્વારા તાજેતરમાં હરિયાણામાં કુરુક્ષેત્રમાં શહાબાદ ખાતેના માર્કન્ડેશ્વર હોકી સ્ટેડિયમમાં હોકીના કોચ અને ખેલાડીઓનું સન્માન કરવા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતની સ્વતંત્રતાના 75મા અમૃત મહોત્વસ નિમિત્તે સેવા ટ્રસ્ટ દ્વારા થોડા મહિનાઓ અગાઉ ‘હેલ્ધી કમ્યુનિટીઝ, હેલ્ધી ઇન્ડિયા’ કેમ્પેઇન શરૂ કરવામાં આવ્યું હતું. આ કેમ્પઇનનો હેતુ વંચિત બાળકો, હોકી ખેલાડીઓ અને સ્થાનિક સમૂદાયને મદદ કરવાનો હતો.

આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે લેફ્ટેનન્ટ વિક્રમજિત સિંઘ, સેવા ટ્રસ્ટના ચેરમેન નરેશ મિત્તલ અને હોકી કોચ નરેશ શર્મા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

લેફ્ટેનન્ટ વિક્રમજિત સિંઘે જણાવ્યું હતું કે, આ સ્ટેડિયમે સરદાર સંદીપ સિંઘ, રાની રામપાલ, સુરેન્દ્ર કૌર જેવા જાણીતા હોકી ખેલાડીઓ આપ્યા છે.

નરેશ મિત્તલે જણાવ્યું હતું કે, આરોગ્યલક્ષી મદદની સાથે, સેવા ટ્રસ્ટ શૈક્ષણિક મદદ અને હોકી ખેલાડીઓને સહાય પણ કરશે. અહીં 190 ખેલાડીઓની સાથે સેવા ટ્રસ્ટ દ્વારા વિરેન્દર, ગુરબાઝ સિંઘ, સુખવિંદર સિંઘ, કેકે ચૌધરી, નરેશ શર્મા, રવિન્દર સિંઘ, કંવર પાલ અને સુરિન્દર વાધવાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સહ-પ્રાયોજક ડાબર ઇન્ડિયા લિમિટેડ વતી સેવા ટ્રસ્ટ દ્વારા ડાબરની ઇમ્યુનિટી બૂસ્ટર કિટ્સ અને ગિફ્ટનું હોકીના કોચ અને ખેલાડીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટના રિજનલ ઇ લર્નિંગ કોર્ડિનેટર રાહુલ ગુલાટી, નિવૃત્ત ડીપીઆઇ ક્રિષ્ના, પવન પરાશર, સીએ વાગિશ શર્મા, રાકેશ વોહરા, પિયુષ ગર્ગ અને જસ્સાર કેસરી પણ ઉપસ્થિત રહ્યા હતા.