(ANI Photo)

સનરાઈઝર્સ હૈદરાબાદના ફાસ્ટબોલર ઉમરાન મલિકે રવિવાર (1 મે)ની રાત્રે આઈપીએલ 2022નો સૌથી ઝડપી બોલ ફેંક્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં ઉમરાને 154 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. સીએસકેના બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડે આ વર્ષના આઈપીએલના સૌથી ઝડપી બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો. જો કે સીએસકે સામે તે ખર્ચાળ સાબિત થયો હતો અને ચાર ઓવરમાં 48 રન તેણે આપ્યા હતા.

ઉમરાન મલિકે રવિવારે આઈપીએલમાં સીએસકે સામેની મેચમાં ઈનિંગની 10મી તથા તેની બીજી ઓવરમાં બીજો બોલ ફેંક્યો તેની ઝડપ 154 કિ.મી પ્રતિ કલાકની રહી હતી. ઓફ સ્ટમ્પ બહાર ફેંકેલા બોલ પર ચેન્નાઈના ઈનફોર્મ બેટ્સમેન ઋતુરાજે પોલ શોટ રમ્યો હતો પરંતુ બોલ બેટની ઉપર લાગીને વિકેટકીપરની ઉપરથી થર્ડ મેન બાઉન્ડ્રી પર ગયો હતો. આ ઉપરાંત 19મી ઓવરમાં પણ મલિકે સીએસકેના કેપ્ટન ધોનીને પણ 154 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો.

ઉમરાન મલિક જમ્મુ અને કાશ્મિરનો યુવા ખેલાડી છે અને તે આજકાલ આઈપીએલમાં તેની 150 પ્લસની ઝડપની વેધક બોલિંગ માટે જાણીતો બન્યો છે. અગાઉ તેણે ગુજરાત ટાઈટન્સ સામેની મેચમાં પાંચ વિકેટ ઝડપી હતી. ઉલ્લેખનીય છે કે ઉમરાન મલિકે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી20 વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં સ્થાન આપવા પસંદગીકારો વિચારણા કરી શકે છે. 2022માં આઈપીએલમાં ટોપ ફાઈવ ફાસ્ટેટ બોલ પૈકી સૌથી ઝડપી બોલ ઉરમાન મલિકનો રહ્યો છે. અગાઉ ન્યૂઝીલેન્ડના બોલર અને ગુજરાત ટાઈટન્સના ખેલાડી લોકી ફર્ગ્યુસને 153.9 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. ઉમરાને અગાઉ 153.3, 153.1 અને 152.9 કિ.મી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકીને તહેલકો મચાવ્યો હતો.