ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બુધવારે વહેલી સવારે એક ટ્રક અને ડબલ ડેકર બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 19 મુસાફરોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા ANI/REUTERS TV/via REUTERS .

ઉત્તરપ્રદેશના બારાબંકીમાં બુધવારે વહેલી સવારે એક ટ્રક અને ડબલ ડેકર બસ વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં 19 મુસાફરોના મોત થયા હતા અને ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા હતા, એમ સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. આ અકસ્માત બારાબંકીના રામસનેહીઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો. ડબલ ડેકર બસ હરિયાણાથી બિહાર જઇ રહી હતી. તેમાં 150 મુસાફર હતા.

લખનૌ-અયોધ્યા હાઈવે પર રસ્તાની બાજુ પાર્ક કરેલી બસને પૂરઝડપે આવેલી એક ટ્રક અથડાઈ હતી. અકસ્માતમાં બસમાં સવાર અને તેની નીચે સૂતા મુસાફરો ઝપેટમાં આવી ગયા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતમાં 19 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં એક મહિલા અને બાકીના પુરુષ છે, જ્યારે 23થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલા 10 લોકોને ટ્રોમા સેન્ટર લખનઉ રિફર કરાયા હતા. બસ હરિયાણાથી બિહાર જઈ રહી હતી. મૃત્યુઆંક હજી વધી શકે છે.