નવી દિલ્હીમાં 25 એપ્રિલે રાયસીના ડાયલોગ 2022ના ઉદ્ધઘાટન સેશનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયન (ANI Photo/Ursula von der Leyen Twitter)

ભારતની મુલાકાતે આવેલા યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયને મંગળવાર, (26 એપ્રિલ)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે આ બંને વચ્ચે બેઠક યોજાઈ હતી.

મોદીને મળ્યા બાદ લેયેને રશિયાની ટીકા કરતાં કહ્યું હતું કે રશિયાએ યુક્રેન પર કોઈ કારણ વગર હુમલો કર્યો છે. તેથી યુરોપિયન યુનિયન એ સુનિશ્ચિત કરશે કે યુક્રેન સામે રશિયાની ઉશ્કેરણી વિનાની અને ગેરવાજબી આક્રમકતા વ્યૂહાત્મક રીતે નિષ્ફળ સાબિત થાય. રશિયાની આ બિનઉશ્કેરણીજનક આક્રમકતા યુરોપની સુરક્ષા માટે ખતરો છે. લેયેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં રાયસીના ડાયલોગમાં પોતાના સંબોધનમાં આ ટીપ્પણી કરી હતી.

આ યુદ્ધની અસરો અંગે તેમણે જણાવ્યું હતું કે તેની અસર ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર પર પડશે. રશિયાની આક્રમકતા પર વિશ્વની પ્રતિક્રિયા આંતરરાષ્ટ્રીય વ્યવસ્થા અને વૈશ્વિક અર્થતંત્ર બંનેનું ભવિષ્ય નક્કી કરશે. યુક્રેન સામે રશિયાના યુદ્ધનું પરિણામ માત્ર યુરોપ જ નહીં, પરંતુ ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર અને બાકીના વિશ્વને પણ ઘણી અસર કરશે. પૂર્વ યુરોપીયન દેશની તસવીરોએ સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે અને સમગ્ર વિશ્વમાં શાંતિ અને સલામતી માટેના મૂળભૂત સિદ્ધાંતો એશિયા તેમજ યુરોપમાં દાવ પર છે.

લેયેને જણાવ્યું હતું કે યુક્રેન તેની આઝાદી માટે લડી રહ્યું છે અને અમે આમાં શક્ય તમામ મદદ પૂરી પાડવાનો પ્રયાસ કરીશું. અમે રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. મેં રશિયાએ આચરેલા ક્રૂર ગુનાથી બચી ગયેલા લોકોની પીડાની વાર્તાઓ સાંભળી છે. નિર્દોષ નાગરિકોને લક્ષ્યાંક બનાવવામાં આવી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય કાયદાનું ગંભીર ઉલ્લંઘન છે.