અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા સાથેના તમામ વ્યાપારિક સંબંધો તાત્કાલિક અસરથી તોડવાનો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણયથી કેનેડાની અર્થવ્યવસ્થા, ઉદ્યોગો અને વૈશ્વિક સ્થિતિ પર ગંભીર અસર થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. અમેરિકા દ્વારા લેવાયેલ આ આકરા નિર્ણય પાછળ કેનેડાના ડિજિટલ સર્વિસ ટેક્સ અને અમેરિકન ડેરી ઉત્પાદનો પર 400 ટકા ટેરિફને કારણભૂત માનવામાં આવે છે. આ ઘટનાક્રમથી બંને દેશો વચ્ચેના આર્થિક સંબંધો સામે પ્રશ્નો ઊભા થયા છે.

ટ્રમ્પે કેનેડાને વ્યાપારિક બાબતો માટે ‘મુશ્કેલ’ દેશ કહીને તમામ વ્યાપારિક સંબંધો તોડ્યા છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે, કેનેડાના ડિજિટલ સર્વિસ ટેક્સથી અમેરિકન કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે. આ ઉપરાંત, કેનેડાએ અમેરિકન ડેરી ઉત્પાદનો પર ભારે ટેરિફ લગાવ્યો હતો. અમેરિકાએ કેનેડાને આગામી સાત દિવસમાં વેપાર સંબંધિત ચૂકવણીની વિગતો આપવા જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકા કેનેડાનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે. 2024માં કેનેડાના 75 ટકા આયાત (અંદાજે 600 બિલિયન ડોલર) અને 50 ટકા નિકાસ અમેરિકા સાથે હતી. વેપાર બંધ થવાથી ઊર્જા, ઓટોમોબાઈલ અને ઉત્પાદન ક્ષેત્રોને નુકસાન થવાની શક્યતા છે. જો આ વેપાર બંધ થઈ જશે તો આગામી થોડા જ સમયમાં કેનેડાની જીડીપી 10-15 ટકા ઘટવાની સંભાવના છે. ઓન્ટારિયો અને ક્વિબેકમાં બેરોજગારી વધશે, જેનાથી લાખો લોકોની નોકરીઓ પર જોખમ ઊભું થશે. અમેરિકા દરરોજ કેનેડા પાસેથી 4 મિલિયન બેરલ તેલ ખરીદે છે, જે હવે બંધ થશે. જેનાથી કેનેડાની તેલ અને ઊર્જા કંપનીઓ સંકટમાં મુકાશે. ઓટોમોબાઈલ ક્ષેત્રની ફોર્ડ, જીએમ અને સ્ટેલેન્ટિસ જેવી કંપનીઓને નુકસાન થશે. લાકડું, સ્ટીલ અને ખનીજોની નિકાસ બંધ થવાથી કેનેડાને નવા બજારો શોધવા મુશ્કેલ પડશે. કેનેડિયન ડોલર નબળો પડશે, જેનાથી આયાત મોંઘી થશે અને મોંઘવારી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

LEAVE A REPLY