અમેરિકાની કોર્ટમાં યુએસ સિટિઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ) વિરૂદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે. યુએસસીઆઇએસ વિરૂદ્ધ આરોપ મૂકવામાં આવ્યો છે કે તેણે વિઝા ફી પેટે ગેરકાયદે 35 કરોડ ડોલર એક્ત્ર કર્યા હતાં.

આઇટીસર્વ એલાયન્સ, આઇટેક યુએસ, સ્માર્ટ વર્ક્સ અને સેક્સોન ગ્લોબલે કોર્ટમાં અપીલ કરી છે કે યુએસસીઆઇએસએ આ ગેરકાયદે ફી વસૂલ કરવાનું બંધ કરવું જોઇએ. છેલ્લા છ વર્ષમાં ઉઘરાવેલી ફી પણ તેણે પરત કરવી જોઇએ.

આઇટીસર્વ એલાયન્સ આઇટી સર્વિસીસ, સ્ટાફિંગ અને કન્સ્લટિંગનું સૌૈથી વિશાળ સંગઠન છે અને 1250 કંપનીઓ તેના સભ્ય છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી અનુસાર એચ-1બી વિઝા માટે અગાઉ 2000 ડોલરની ફી વસૂલ કરવામાં આવતી હતી.

ત્યારબાદ બોર્ડર એડમિશન ફી પેટે એચ-1બી વિઝા માટે વધારાના 4000 ડોલર વસૂલ કરવામાં આવે છે. તેવી જ રીતે એલ-1એ તથા એલ-1બી વિઝા માટે 4500 ડોલર વસૂલ કરવામાં આવે છે.

અમેરિકામાં 50થી વધુ કર્મચારીઓને નોકરી આપતી કંપનીઓ પાસેથી આ વધુ રકમ વસૂલ કરવામાં આવશે. ભારતની મોટી આઇટી કંપનીઓ આ જ કેટેગરીમાં આવી જાય છે.

યુએસસીઆઇએસ આ રકમ એચ-1બી વિઝા મેળવવા માટે અને આ વિઝાના સ્ટેટસમાં ફેરફાર કરવા માટે પણ વસૂલ કરે છે. અરજીમાં જણાવવામાં આવ્યું છે કે વિઝા સ્ટેટસમાં ફેરફાર કરવા માટે 4000 ડોલરની ફી ઉઘરાવવી તે યોગ્ય નથી. માત્ર સ્ટટસ ફેરફાર કરવામાં જ યુએસસીઆઇએસએ ગેરકાયદેસર રીતે 35 કરોડ ડોલર એકત્ર કર્યા હતા.