મોદી કેબિનેટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી સાથે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી એક્ટ, 1971માં સંશોધનનો રસ્તો સ્પષ્ટ થઈ ગયો છે. આ બિલને સંસદમાં આગામી સત્રમાં રજૂ કરવામાં આવશે. આ બિલ દ્વારા હવે મહિલાઓ 24માં સપ્તાહે એટલે કે 6 મહિનાની પ્રેગ્નેન્સી હશે ત્યારે પણ ગર્ભપાત કરાવી શકશે. ગર્ભપાત કરાવવાની મર્યાદા વધારવા વિશે કોર્ટમાં એક જનહિતની અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી પર સુનાવણી દરમિયાન સ્વાસ્થય મંત્રાલયે ગયા વર્ષે ઓગસ્ટમાં દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે ગર્ભવતી મહિલાઓના સ્વાસ્થયને ધ્યાનમાં રાખીને તેમના ગર્ભપાતની સમયસીમા 20 સપ્તાહથી વધારીને 24થી 26 સપ્તાહ કરવા વિશે મંત્રાલયે વિચાર-વિમર્શ શરૂ કરી દીધો છે.