પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકા 8 નવેમ્બરથી ફુલી વેક્સિનેટેડ વિદેશી નાગરિકો માટે ટ્રાવેલ નિયંત્રણો ઉઠાવી લે તેવી શક્યતા છે. જમીની સરહદ અને હવાઇ મુસાફરો બંને પ્રકારના ટ્રાવેલ નિયંત્રણો દૂર કરાશે, એમ વ્હાઇટ હાઉસના અધિકારીએ જણાવ્યું હતું.

કોરોના મહામારીનો સામનો કરવા માર્ચ 2020થી જમીન માર્ગે આવતા બિનઆવશ્યક ટ્રાવેલર્સ પર નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. સૌ પ્રથમ 2020ના પ્રારંભમાં ચીનથી આવતા એર ટ્રાવેલર્સ પર પ્રતિબંધ મૂકાયો હતો, આ પછી બીજા 30 દેશોના ટ્રાવેલર્સ પર નિયંત્રણો મૂકવામાં આવ્યા હતા.

વ્હાઇટ હાઉસે મંગળવારે જાહેરાત કરી હતી કે તે નવેમ્બરના પ્રારંભથી ફુલી વેક્સિનેટેડ વિદેશી નાગરિકો માટે કેનેડા અને મેક્સિકો સાથેની જમીન સરહદો અને ફેરી ક્રોસિંગ માટેના નિયંત્રણો દૂર કરશે.

વેક્સિન ન લીધેલા પ્રવાસીઓને કેનેડા કે મેક્સિકોની લેન્ડ બોર્ડરમાંથી પ્રવેશ પર પ્રતિબંધ ચાલુ રહેશે.

કેનેડાએ બિન આવકાર્ય ટ્રાવેલ માટે અમેરિકાના ફુલી વેક્સિનેટેડ વિઝિટર્સને 9 ઓગસ્ટથી પ્રવેશની છૂટ આપી હતી.

વ્હાઇટ હાઉસે 20 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે અમેરિકા નવેમ્બરના પ્રારંભથી ભારત, ચીન, બ્રાઝિલ અને યુરોપના મોટાભાગના દેશો સહિત 33 દેશો માટે એર ટ્રાવેલર્સ પરના નિયંત્રણો હટાવી દેશે. જોકે તે સમયે કોઇ ચોક્કસ તારીખની જાહેરાત કરવામાં આવી ન હતી.

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે બીજા તમામ દેશોમાંથી મુસાફરી કરતાં વિદેશી નાગરિકો માટે વેક્સિનની જરૂરિયાત ચાલુ રહેશે.

બિનઅમેરિકન એર ટ્રાવેલર્સે વિમાનમાં બેસતા પહેલા વેક્સિનેશનનું પ્રૂફ આપવું પડશે અને કોરોના નેગેટિવ રિપોર્ટની પ્રૂફ આપવું પડશે. જોકે જમીન માર્ગે આવતા વિદેશી નાગરિકોએ તાજેતરના કોરોના નેગેટિવ રિપોર્ટ દર્શાવવાનો રહેશે નહીં.