• ભારતીય હાઇ કમિશ્નર શ્રી વિક્રમ દોરાઇસ્વામી સાથે શ્રી ધામી

    એક્સક્લુસિવ

  • કમલ રાવ

ભારતના ઉત્તરાખંડમાં હોસ્પિટાલીટી અને ઉદ્યોગ ક્ષેત્રે વિદેશી મુડીરોકાણ માટે લંડન અને બર્મિંગહામમાં બે રોડ શો સાથે અન્ય કાર્યક્રમો માટે યુકેના મુલાકાતે આવેલા ઉત્તરાખંડના મુખ્યમંત્રી શ્રી પુષ્કર સિંહ ધામીએ ગરવી ગુજરાતને આપેલા એક્સક્લુસિવ ઇન્ટર્વ્યુમાં જણાવ્યું હતું કે ‘’અમારી સરકાર ઉત્તરાખંડના લોકો, યાત્રાધામો અને રાજ્યના વિકાસ માટે કટિબધ્ધ છે અને આ માટે વિવિધ યોજનાઓ, રોડ રસ્તાઓ તેમજ ઇન્ટરનેશનલ એરપોર્ટના નિર્માણ દ્વારા અમુલ પરિવર્તન લાવી રહી છે. આ ઉપરાંત અમે ધર્મ પરિવર્તન સામે કડક હાથે કામ કરવા ઉપરાંત યુનિફોર્મ સિવિલ કોડને લાગુ કરવા માટે બનાવાયેલી કમિટીના અહેવાલની આતુરતાથી રાહ જોઇ રહ્યા છીએ.’’

શ્રી પુષ્કર સિંહ ધામીએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું કે ‘’ઉત્તરાખંડનું પાટનગર દહેરાદુન અને મુખ્ય શહેરો હરિદ્વાર – ઋષીકેશ દિલ્હીથી ખૂબ જ નજીક છે. તમે હાલમાં દિલ્હીથી રોડ દ્વારા ત્રણ – ચાર કલાકમાં આસાનીથી ત્યાં પહોંચી શકો છો અને નવો ફોર લેન એક્સપ્રેસ વે થતાં તમે દિલ્હીથી દહેરાદૂન માત્ર 2 કલાકમાં જ પોહંચી શકશો. આટલું જ નહિં દહેરાદૂન 37 ફલાઇટ દ્વારા દેશના વિવિધ શહેરો સાથે જોડાયેલું છે. વિખ્યાત ચારધામની યાત્રા આસાન બને તે માટે અમે દરેક ઋતુમાં આવન જાવન સરળ બને તેવો ઓલ વેધર રોડ બનાવી રહ્યા છીએ. તેને કારણે ચારધામની યાત્રા ખૂબ જ આસાન બની જશે. અમારા પ્રયાસોને કારણે આ વર્ષે હવામાન ખરાબ હોવા છતાં ચાર ધામની યાત્રાએ કુલ 42 લાખ લોકો આવી ચુક્યા છે. તે જ રીતે કાવડ યાત્રામાં જોડાતા યાત્રાળુઓની સંખ્યા પણ વધી રહી છે.’’

શ્રી ધામીએ જણાવ્યું હતું કે ‘’અમે સમગ્ર ઉત્તરાખંડને રોડ નેટવર્કથી જોડીને એવું ઇન્ફ્રસ્ટ્રક્ચર તૈયાર કરી રહ્યા છીએ કે ઉત્તરાખંડના મુખ્ય શહેરો-નગરો અને યાત્રાધામોની સફર આસાન બની જશે. હાલમાં પીથોરાગઢ સુધીનો સુંદર રોડ બની ગયો છે અને નજીકના ભવિષ્યમાં લિપુલેખ સુધીનો રોડ બની જતા કૈલાસ માનસરોવરની યાત્રા કરવાનું ખૂબ જ સરળ બની જશે. જેને કારણે યાત્રા સરળ બનવા સાથે ઓછી ખર્ચાળ બનશે.‘’

યાત્રાધામોના વિકાસ બાબતે તેમણે જણાવ્યું હતું કે ‘’વારાણસીના જેવા જ હરિદ્વાર–ઋષીકેશના ગંગા કોરીડોરના નિર્માણ માટે અમે ત્રણ વર્ષની યોજના બનાવી છે. જે અંતર્ગત ગંગા નદીના કિનારે આવેલા આ બે નગરો – યાત્રાધામોના ઘાટ, રોડ અને શહેરોનું નિર્માણ કરાશે અને સૌંદર્યકરણ કરવામાં આવશે. અમે કેદારનાથની યાત્રા વધુ આસાન બને તે માટે રોપ-વેનું  નિર્માણ કરી રહ્યા છીએ. તો હેમ કુંજ સાહિબ જવા માટે રોડરસ્તાનું નિર્માણ કરી રહ્યા છીએ. વડા પ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ઋષિકેશ-કર્ણપ્રયાગ રેલ-લિંકમાં પણ પ્રગતિ થઇ રહી છે. અમે પર્વત માલા યોજના અંતર્ગત આ બધા કાર્ય કરી રહ્યા છીએ.’’

હોસ્પિટાલીટી સેક્ટર અને વિદેશવાસીઓના ટૂરીઝમ બાબતે શ્રી ધામીએ જણાવ્યું હતું કે ‘’અમે ઇન્ટરનેનલ ટૂરીસ્ટ માટે નવા ટુરીસ્ટ ડેસ્ટીનેશન અને ટુરીઝમ પોલીસી લઇને આવી રહ્યા છીએ. તો અમે નૈનીતાલ પાસેના પંતનગરમાં ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ કરી રહ્યા છીએ. જેથી દેશ વિદેશથી ઉત્તરાખંડ આવવું સૌ માટે આસાન બની જશે. હોસ્પિટાલીટી સેક્ટરના નિર્માણ માટે અમે 100 ટકા સબસીડી સાથે ઉત્તરાખંડના વિવિધ યાત્રા ધામો અને શહેરોમાં હોટેલો બનાવવા માટે વિવિધ હૉટેલ જુથો સાથે સહયોગ સ્થાપી રહ્યા છીએ. અમે ગોવા સરકાર સાથે MOU કર્યુ છે જેને કારણે સમુદ્રની મજા માણવા ગોવા આવતા ટુરીસ્ટો હિમાલયની યાત્રા કરી શકશે. અમે 100 જેટલા નવા ટુરીસ્ટ ડેસ્ટીનેશન બનાવવા માટે યોજનાને આકાર આપી રહ્યા છીએ. જેમાં અમે ચુનંદા સ્થાનો માટે હોસ્પિટાલીટી ક્ષેત્રને જમીન લીઝ પર આપીશું. જ્યાં વિવિધ સ્થળોએ હોટેલ – રીસોર્ટ વગેરેનું નિર્માણ કરીશું. આ માટે અમે ITC, ઓબેરોય, મહિન્દ્રા હોટેલ ગૃપ સાથે સહયોગ કરીશું. મહિન્દ્રા ગૃપ સાથે તો અમે 1,000 કરોડ રૂપિયાનું MOU કરેલું છે. ઋષિકેશ બાદ હવે ઉધમ સિંહ નગરમાં AIMS હોસ્પિટલ્લનું નિર્માણ થઇ રહ્યું છે.’’

ઉત્તરાખંડમાં મૂડીરોકાણ માટે યુકેમાં મુલાકાત દરમિયાન લંડન અને બર્મિંગહામમાં યોજાયેલા બે રોડ શોના હેતુ અંગે માહિતી આપતા શ્રી ધામીએ જણાવ્યું હતું કે ‘’ભારતમાં બ્રિટનના ઘણાં ઉદ્યોગસમુહો કાર્ય કરી રહ્યા છે. જેમના પાસેથી અમે હોસ્પિટાલીટી, ટુરીઝમ, ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ, મેન્યુફેક્ચરીંગ અને ફૂડ પ્રોસેસીંગ ક્ષેત્રમાં મૂડી રોકાણ માટે પ્રયાસ કરી રહ્યા છીએ. ઉત્તરાખંડમાં આ માટે અમે વિવિધ સ્થળોએ મળીને  કુલ 6,000 એકરના લેન્ડબેન્કનું નિર્માણ કર્યું છે. અમે જે તે સ્થળોને જરૂરિયાત મુજબ ઇકોલોજી અને પ્રદુષણના ખતરાને ધ્યાનમાં લઇને ઉદ્યોગ જુથોને ફાળવીશું. અમે 2025 સુધીમાં રાજ્યની જીડીપીને બમણી કરવાના લક્ષ્ય સાથે યુએસ સ્થિત આંતરરાષ્ટ્રીય કન્સલ્ટિંગ જૂથ મેકેન્ઝી ગ્લોબલની સેવાઓ પણ લઇ રહ્યા છીએ. મેકેન્ઝી ગ્લોબલના તજજ્ઞો વિવિધ સરકારી ડીપાર્ટમેન્ટ સાથે મળીને જરૂરી અભ્યાસ કરી પોતાના સૂચનો આપી રહ્યા છે.’’

મુખ્યમંત્રી તરીકેના પોતાના બે વર્ષના શાસનકાળ અંગે માહિતી આપતા શ્રી ધામીએ જણાવ્યું હતું કે ‘’અમે લગાતાર કામ કરીએ છીએ અને બે વર્ષના શાસનકાળ દરમિયાન બહુ બધા નિર્ણયો લીધા છે. અમે યુનિફોર્મ સિવિલ કોડ માટે બનાવેલી કમીટીએ કુલ 238,000 લોકોના અભિપ્રાય લીધા છે અને ધાર્મિક સંગઠનોના અગ્રણીઓ સાથે વાત કરી છે. અમે કમીટીને ચાર માસનો સમય વધાર્યો છે અને આશા છે કે નિયત સમયમાં અમને તેનો ડ્રાફ્ટ મળી જશે. જે પછી અમે તે અંગે નિર્ણય લઇશું. ઉત્તરાખંડમાં હાલમાં ધર્માંતરણ બહુ મોટી સમસ્યા છે. તેનો હલ લાવવા અમે કાર્ય કરી રહ્યા છીએ. આજ રીતે ચીટીંગ માટે પણ કાયદો લાવ્યા છીએ.’’

વડા પ્રધાન મોદીના વિશ્વાસપાત્ર મુખ્યમંત્રી તરીકે તમે અવિરત કાર્ય કરી રહ્યા છો તેવા પ્રશ્નના જવાબમાં શ્રી ધામીએ જણાવ્યું હતું કે ‘’મોદીજીના વડા પ્રધાન તરીકેના શાસનમાં ગરીબો, છેવાડાના લોકો, અદિવાસીઓ, OBC અને નવયુવાનો માટે પુશ્કળ કાર્યો થઇ રહ્યા છે અને વિવિધ યોજનાઓ બનાવાઇ રહી છે. મોદીજીને લોકો પોતાના ગાર્ડીયન તરીકે જોઇ રહ્યા છે. નવી સંસદનું નિર્માણ, કોરોના વખતના વેક્સીનેશન, હાલમાં પાર્લામેન્ટમાં મહિલા અનામત સહિત એવા કેટલાય કાર્યો અને યોજનાઓ છે જેના થકી ભારતનો વિકાસ થઇ રહ્યો છે. મોદીજી એક એક ચીજને જોડીને ભારતનું પુન:નિર્માણ કરી રહ્યા છે અને તેઓ આધુનિક ભારતના વિશ્વકર્મા છે એમ કહીએ તો જરા પણ ખોટું નથી. તાજેતરની G-20 સમીટમાં લેવાયેલા 112 નિર્ણયો, ઘોષણાપત્રની સફળતા અને અફ્રિકન સમુહના સમાવેશ સાથે વસુધૈવ કુટુંબકમની ભાવનાના અમલીકરણ દ્વારા ભારતે સિધ્ધ કર્યું છે કે ભારત વિશ્વગુરૂ બનવા સક્ષમ છે.’’

શ્રી ધામીએ ઉત્તરાખંડના વિકાસ અંગે જણાવ્યું હતું કે ‘’ઉત્તરાખંડ દેશના અન્ય રાજ્યોની જેમ વિકાસ કરે અને મોખરાનું રાજ્ય બને તે માટે અમે ઘણાં રિફોર્મ લાવ્યા છીએ. દૂરના વિસ્તારોમાં પ્રાયમરી સેક્ટરમાં સ્વરોજગાર મળે, લોકોને નોકરીઓ મળે તે માટે અમે કાર્ય કરી રહ્યા છીએ. એપલ અને કીવી ફ્રુટને મિશન તરીકે અપનાવી તેના વાવેતર અને પ્રોસેસીંગને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. આ ઉપરાંત છેવાડાના લોકોના ઘરમાં રહીને ટુરીસ્ટો સૌંદર્યની મજા માણી શકે તે માટે અમે દીનદયાલ ઉપાધ્યાય હોમ સ્ટે યોજના અમલમાં મૂકી છે. જે અંતર્ગત સ્થાનિક લોકોને સબસીડી અને ઓછા વ્યાજ સાથે સારા ઘર રહેવા મળશે અને ટૂરીસ્ટ સાથે રહેવાથી તેમની આવક અને જ્ઞાન વધશે.’’

 

LEAVE A REPLY

5 + 8 =