FILE PHOTO: અમેરિકાના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન જોહન કેરી (જમણી બાજુ) સાથે ઉઝરા ઝેયા REUTERS/Carolyn Kaster/Pool

અમેરિકાએ તિબેટના મુદ્દા માટે તેના સ્પેશ્યલ કો-ઓર્ડિનેટર તરીકે ભારતીય મૂળના ડિપ્લોમેટ ઉઝરા ઝેયાની નિમણુક કરી છે. ઝેયાને તિબેટ અંગેની સમજૂતી માટે ચીન અને દલાઈ લામા અથવા તેમની પ્રતિનિધિઓ વચ્ચે ફળદ્વુપ મંત્રણાને પ્રોત્સાહન આપવાની કામગીરી સોંપવામાં આવી છે.

રાજદ્રારી તરીકેની કારકિર્દી દરમિયાન નવી દિલ્હીમાં કામગીરી કરનારા ઝેયાએ તત્કાલિન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓના વિરોધમાં 2018માં ફોરેન સર્વિસ છોડી દીધી હતી. ઝેયા સિવિલિયન સિક્યોરિટી, ડેમોક્રેસી એન્ડ હ્યુમન રાઇટ્સ માટેના અંડર-સેક્રેટરી પણ છે. તિબેટ અંગેના મુદ્દાના અમેરિકાના સ્પેશ્યલ કો-ઓર્ડિનેટર તરીકે ઝેયા 2002ના તિબેટ નીતિ ધારા હેઠળ તિબેટ સંબંધિત મુદ્દા અંગે અમેરિકા સરકારની નીતિઓ, પ્રોગ્રામ અને પ્રોજેક્ટ્સનું સંકલન કરશે.

અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કને જણાવ્યું હતું કે “મે તિબેટ મુદ્દા માટે અમેરિકાના સ્પેશ્યલ કો-ઓર્ડિનેટર તરીકે કામગીરી કરવા સિવિલિયન સિક્યોરિટી, ડેમોક્રેસી અને હ્યુમન રાઇટ્સના અંડર સેક્રેટર ઉઝરા ઝેયાની વરણી કરી છે. આ મહત્ત્વની ભૂમિકાને તેઓ તાકીદે અસરકારક રીતે નિભાવશે.”

ઝેયાએ અગાઉ અમેરિકાના પાંચ પ્રેસિડન્ટ (ત્રણ રિપબ્લિકન અને બે ડેમોક્રેટ્સ) સાથે કામગીરી કરી છે. તેઓ ચાર ખંડોમાં ફોરેન સર્વિસ ઓફિસર તરીકે 28 વર્ષનો અનુભવ ધરાવે છે. તેઓ અરેબિક, ફ્રાન્સ અને સ્પેનિશ ભાષાના સારા જાણકાર છે. તેઓ અગાઉ હ્યુમન રાઇટ્સ, ડેમોક્રેસી એન્ડ લેબરના કાર્યકારી આસિસ્ટન્ટ સેક્રેટરી હતા. આ હોદ્દા દરમિયાન તેમણે ચીન, ઇજિપ્ત અને બહરિન સહિતના દેશો સાથે યુએન-એસ હ્યુમન રાઇટ્સ અંગે મંત્રણા કરી હતી. ઝેયાના દાદા ભારતમાં સ્વાતંત્ર્ય સેનાની હતા. તેઓ જ્યોર્જટાઉન યુનિવર્સિટી સ્કૂલ ઓફ ફોરેન સર્વિસમાંથી ગ્રેજ્યુએટ થયેલા છે.