અમદાવાદમાં 28 જૂન 2021માં કમ્યુનિટી હોલમાં વેક્સીન મેળવવા માટે લોકોની લાઇન લાગી હતી. (PTI Photo)

ગુજરાતમાં 21 જૂનથી પૂરજોશમાં શરૂ કરવામાં આવેલું વેક્સિન અભિયાન હવે વેક્સીનની અછતને કારણે ધીમું પડ્યું છે. રાજ્યમાં 21 જૂનથી 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ વોક ઈન વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ હવે રાજ્યમાં વેક્સિનની અછતને પગલે વેક્સિનનેશન મહાઅભિયાનનો ફિયાસ્કો બોલાઈ રહ્યો છે.

રવિવાર સુધીના છેલ્લા 6 દિવસમાં વેક્સિનેશનના પ્રમાણમાં 50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. છેલ્લા બે દિવસથી અનેક વેક્સિનેશન સેન્ટર બહાર પણ ‘વેક્સિનનો સ્ટોક નથી’ તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા અર્બન હેલ્થ સેન્ટરમાં સોમવારે પણ કોવિશીલ્ડની વેક્સિનનો જથ્થો આવ્યો ન હતો.રવિવારે ટાગોર હોલ ઉપરાંત વસ્ત્રાપુર ઉપરાંત શાહપુરના લાલાકાકા હોલ સહીતના રસીકરણ કેન્દ્રો ઉપર કલાકો સુધી રસી લેવા લાઈનમાં ઉભા રહ્યા બાદ પણ લોકોને રસી ન મળતા લોકોમાં મ્યુનિ.તંત્ર વિરૃધ્ધ ઉગ્ર આક્રોશ જોવા મળ્યો હતો.ટાગોર હોલમાં ભીડને કાબૂમાં લેવા તંત્રને પોલીસની મદદ લેવી પડી હતી.

વડોદરા શહેરમાં વડોદરાની સયાજી હોસ્પિટલમાં વેક્સિન ડોઝ ખૂટી પડતા લોકોએ હોબાળો મચાવતા સત્તાવાળાઓને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જેથી મામલો ગરમાયો હતો. ૨૧ જૂનથી વેક્સિનેશન મહાઅભિયાનના પ્રથમ દિવસે ૫.૧૧ લાખને કોરોના રસી આપવામાં આવી હતી અને તે ૨૭ જૂનના ઘટીને ૨.૪૦ લાખ નોંધાયું છે. આમ, ૬ દિવસમાં વેક્સિનેશનના પ્રમાણમાં અડધાથી વધુનો ઘટાડો નોંધાયો છે.

ગુજરાતમાં વેક્સિનેશન સેન્ટર બહાર વેક્સિન લેવા માટે લાંબી લાઇનો પણ લાગે છે. પરંતુ રસીની અછત હોવાને કારણે તેમને નિરાશ થઇને પરત ફરવું પડે છે. છેલ્લા બે દિવસથી અનેક વેક્સિનેશન સેન્ટર બહાર પણ ‘વેક્સિનનો સ્ટોક નથી’ તેવા બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. આમ, અપૂરતી વેક્સિનથી ગુજરાતમાં વેક્સિનેશનની ગતિમાં બ્રેક લાગી ગઇ છે. રવિવારે અમદાવાદ શહેરમાં સૌથી વધુ ૨૦,૧૦૦-સુરત શહેરમાં ૧૩,૯૬૦-કચ્છમાં ૧૦,૮૨૫-સુરત ગ્રામ્યમાં ૯,૬૧૯ને જ્યારે નવસારીમાં ૯,૬૧૩ને જ્યારે કોરોના રસી આપવામાં આવી હતી. બીજી તરફ ડાંગમાં માત્ર ૫૫૭, ખેડામાંથી ૬૫૬ લોકોને જ કોરોના રસી અપાઇ હતી.