વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના મહામારીને સ્થિતિની ચર્ચા કરવા માટે તમામ રાજકીય પક્ષોના નેતાઓ સાથે વિડિયો કોન્ફરન્સ મારફત એક બેઠક કરી હતી. આ બેઠકમાં કેટલાંક કેન્દ્રીય પ્રધાનો પણ હાજર રહ્યાં હતા. (PTI Photo)

કોરોના મહામારી અંગે શુક્રવારે વિડિયો કોન્ફરન્સ મારફત તમામ રાજકીય પક્ષોની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોરોના વેક્સિન માટે હવે રાહ જોવાની જરૂર નથી, થોડાંક સપ્તાહમાં રસી તૈયાર થઈ થઈ જવાની ધારણા છે. વિજ્ઞાનિકો મંજૂરી આપે તે પછી તરત રસીકરણનો પ્રોગ્રામ ચાલુ થશે.

વેક્સિન કંપનીઓ સાથે ચર્ચાવિચારણા પછી મોદીની આ પહેલી અને મહત્ત્વની બેઠક છે. મોદીએ વેક્સિનની તૈયારીઓ અને વિતરણ અંગે વિગતવાર માહિતી આપી હતી. મોદીએ જણાવ્યું હતું કે પહેલી રસી બિમાર, વૃદ્ધ અને હેલ્થ વર્કર્સને આપવામાં આવશે.

અગ્રણી રાજકીય પક્ષોના 12 નેતાઓ સાથેની બેઠકમાં મોદીએ જણાવ્યું હતું કે આગામી થોડા સપ્તાહમાં વેક્સિન તૈયાર થઈ જવાની ધારણા છે. આપણા વિજ્ઞાનીઓને કોવિડ-19ની વેક્સિન બનાવવામાં સફળ થવાનો વિશ્વાસ છે. વિશ્વ સૌથી સસ્તી અને સુરક્ષિત વેક્સિનની રાહ જોવે છે. સ્વાભાવિક છે કે દુનિયાની નજર ભારત પર પણ છે. અમદાવાદ, પુણે અને હૈદરાબાદ જઈને મેં જોયું કે વેક્સિન મેન્યુફેક્ચરિંગ અંગે તૈયારીઓ કેવી છે. ICMR અને ગ્લોબલ ઈન્ડસ્ટ્રીના વડા સાથે તાલમેલ કરવામાં આવી રહ્યો છે. તમામ કમર કસીને તૈયારી કરી રહ્યાં છે. લગભગ 8 એવી સંભવિત વેક્સિન છે, જે ટ્રાયલના અલગ અલગ તબક્કામાં છે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે વેક્સિનની કિંમતનો સવાલ પણ સ્વાભાવિક છે. કેન્દ્ર આ સંબંધમાં રાજ્યો સાથે વાત કરી રહ્યું છે. આ નિર્ણયમાં જનતાના આરોગ્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. ભારત આજે એ દેશોમાં છે, જ્યાં દરરોજ ટેસ્ટિંગ વધી રહ્યું છે. ભારત એવા દેશોમાં છે, જ્યાં રિકવરી રેટ વધુ અને મૃત્યુદર ઘટી રહ્યો છે. આપણે જે રીતે કોરોના વિરુદ્ધ જંગ લડી, એ પ્રત્યેક દેશવાસીની ઈચ્છાશક્તિને દેખાડે છે. ભારતે વિકસિત દેશોની તુલનામાં લડાઈ સારી રીતે લડી છે.

વડાપ્રધાન છેલ્લાં એક સપ્તાહથી વેક્સિન અંગે ઘણા સક્રિય છે. 28 નવેમ્બરે તેમણે પૂણેના સિરમ ઈન્સ્ટિટ્યૂટ, અમદાવાદના ઝાયડ્સ બાયોટેક પાર્ક અને હૈદરાબાદમાં ભારત બાયોટેક ફેસિલિટીની મુલાકાત કરી તૈયારીઓની સમીક્ષા કરી હતી.