(Photo by Christopher Furlong/Getty Images)

કોરોનાવાયરસનો નવો વેરિઅન્ટ લોકો માટે કાળમુખો બની રહ્યો છે ત્યારે તેની સામે લડી શકાય તે આશયે વૈજ્ઞાનિકો સુધારેલી રસીના સંભવિત ઝડપી વિકાસ માટે જરૂરી પગલાઓ લઇ રહ્યા છે એમ રસી બનાવનાર એસ્ટ્રાઝેનેકાએ જાહેરાત કરી છે.

મેડિસીન્સ અને હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી (MHRA) એ જણાવ્યું હતું કે ‘’તાજેતરના મહિનાઓમાં ઉદ્ભવેલા નવા વેરિઅન્ટ સામે રસી કામ કરવામાં નિષ્ફળ હોવાના હાલમાં કોઈ પુરાવા નથી, પરંતુ સંભવિત સુધારાઓ વિશે અમે રસીના ઉત્પાદકો સાથે ચર્ચામાં છીએ કે તેમની રસીઓ વાયરસના નવા પ્રકારો સામે રક્ષણ આપે તેની ખાતરી કરવા માટે જરૂરી સુધારા કરવાના મુદ્દાને પ્રાથમિકતા બનાવી છે.’’

ઑક્સફોર્ડ યુનિવર્સિટી સાથે કોવિડ-19 રસી બનાવવા માટે ભાગીદારી કરનાર એસ્ટ્રાઝેનેકાએ જણાવ્યું હતું કે ‘’વૈજ્ઞાનિકોએ જરૂરી રસીકરણના ઝડપી વિકાસ માટે જરૂરી પગલાઓ પર કામ શરૂ કરી દીધું છે. વાયરસ સતત પરિવર્તન દ્વારા બદલાતા રહે છે, નવા વેરિઅન્ટના ઉદભવ તરફ દોરી જાય છે. વૈજ્ઞાનિકો દ્વારા આ ફેરફારો પર નજર રાખવામાં આવી રહી છે. ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને વિશ્વભરની લેબોરેટરીઝ રસીની અસરકારકતા પર નવા વેરિઅન્ટના પ્રભાવનું કાળજીપૂર્વક મૂલ્યાંકન કરી રહ્યાં છે, અને જરૂરી હોય તો જરૂરી સુધારા કરી કોવિડ-19 રસીના ઝડપી વિકાસ માટે જરૂરી પ્રક્રિયાઓ શરૂ કરી રહ્યા છે.”

યુકે અને દક્ષિણ આફ્રિકામાં મળી આવેલા નવા ટ્રાન્સમિસિબલ વેરિએન્ટ્સ સામે વર્તમાન રસીઓ ઓછી રક્ષણાત્મક છે કે કેમ તે શોધવા માટે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડની પોર્ટન ડાઉન લેબોરેટરી અને નિષ્ણાંત શૈક્ષણિક સુવિધાઓ ખાતે કામ ચાલી રહ્યું છે.

પ્રારંભિક અધ્યયન સૂચવે છે કે ભૂતપૂર્વ કોવિડ દર્દીઓના એન્ટિબોડીઝ, અને રસી લઇ ચૂકેલા કેટલાક લોકો પર યુકેમાં જોવા મળતા નવા બી-117 વેરિએન્ટ સામે હજી પણ રસી વ્યાપક અસરકારક છે. પરંતુ દક્ષિણ આફ્રિકામાં વ્યાપકપણે ફેલાયેલો 501Y.v2 વેરિઅન્ટ રસી સામે વધુ પ્રતિરોધક હોય તેવું લાગે છે. પરંતુ હજી વિસ્તૃત તપાસ કરવામાં આવી રહી છે.