Courtesy: Facebook

મૂળ મહેમદાવાદના વતની અને હાલ લંડનમાં રહેતા ગુજરાતી ગાયક કલાકાર વિજય (વિકી) ગઢવીનું લાંબા સમયની પેટની બીમારીના કારણે ઇસ્ટ લંડનની વ્હિપક્રોસ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન રવિવારે સવારે 4થી 6ની વચ્ચે ઉંઘમાં જ નિધન થયું હતું. હોસ્પિટલની કાર્ડીયાક ટીમે તેમને રીવાઇવ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને સફળતા મળી ન હતી.

2011થી લંડનમાં સ્થાયી થયેલા વિજયભાઇના નિધનને પગલે સાથી કલાકારો, તેમના ચાહકો અને મિત્ર સમુદાયમાં શોક વ્યાપી ગયો હતો. 36 વર્ષના વિજય ગઢવીને પેટની બીમારી હતી અને તેમની ઇસ્ટ લંડનની ક્વીન્સ હોસ્પિટલ અને વ્હિપક્રોસ હોસ્પિટલ ખાતે સારવાર ચાલતી હતી. જ્યાં વ્હિપક્રોસ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન વિજય ગઢવીએ અંતિમ શ્વાસ લીધો હતો.

વિજય ગઢવી લંડનમાં પ્રખ્યાત ગાયક કલાકાર હતા અને તેઓ કિરીટભાઇ વાકાણી અને મરીનાબેન સાથે વર્ષોથી ગીત-સંગીત આપતા હતા. તેઓ ટેસ્કોમાં ફૂલટાઇમ કામ કરતા હતા. કેટલાક મિડીયામાં તેમનુ કોરોના વાયરસના કારણે નિધન થયું હોવાના સમાચાર પ્રસિધ્ધ થયા હતા જે ખોટા છે અને તેનાથી તેમનો પરિવાર વ્યથિત થયો છે એમ કિરીટભાઇ વાકાણીએ ગરવી ગુજરાતને જણાવ્યું હતું.

વિજયભાઇ પત્ની નિશા ભટ્ટ અને એક દિકરીને વિલાપ કરતા મૂકી ગયા છે.