આંતરરાષ્ટ્રીય ક્રાઈમ કોર્ટે અમેરિકા અને તાલિબાન સામે વોર ક્રાઈમ અંતર્ગત તપાસનો આદેશ આપ્યો છે. અફઘાનિસ્તાનમાં કેટલાય વર્ષોથી થઈ રહેલા સામ-સામા હુમલાના સંદર્ભમાં આ આદેશ આપ્યો હતો. અમેરિકાએ જોકે આ નિર્ણયને અયોગ્ય ગણાવીને તાજેતરની શાંતિ મંત્રણાનો હવાલો આપીને બચાવ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય ક્રાઈમ કોર્ટે એક વર્ષ પહેલાં એવું કહીને અરજી ફગાવી દીધી હતી કે આંતરરાષ્ટ્રીય કોર્ટના કાર્યક્ષેત્રમાં ન આવે, પરંતુ હવે તાલિબાન, અમેરિકા અને અફઘાનિસ્તાનની સૈન્ય ઉપર યુદ્ધનો ગુનો કર્યાની તપાસ થશે.

આંતરરાષ્ટ્રીય ક્રાઈમ કોર્ટના કહેવા પ્રમાણે અફઘાનિસ્તાન યુદ્ધક્ષેત્ર બન્યું હોવાથી કેટલાય લોકો તેનો ભોગ બન્યા છે અને એ પાછળ અમેરિકા-અફઘાનિસ્તાન અને તાલિબાનનું સૈન્ય જવાબદાર છે કે નહીં તેની તપાસ થવી જરૂરી છે. આંતરરાષ્ટ્રીય ક્રાઈમ કોર્ટે તેને માનવતા સામેનો આચરેલો ગુનો ગણાવ્યો હતો.

ઈતિહાસમાં પહેલી વખત આંતરરાષ્ટ્રીય ક્રાઈમ કોર્ટે અમેરિકન લશ્કર વિરૂદ્ધ વોર ક્રાઈમ અંતર્ગત તપાસનો આદેશ આપ્યો હતો. અમેરિકાના વિદેશ મંત્રી માઈક પોમ્પિઓએ કહ્યું હતું કે તાજેતરની ઘટના પરથી લાગે છે કે આ યોગ્ય નથી. કારણ કે હવે તાલિબાન સાથે શાંતિમંત્રણામાં પણ અમેરિકાને મહત્વપૂર્ણ સફળતા મળી છે.

અફઘાનિસ્તાનના મુદ્દે અમેરિકા પહેલેથી આંતરરાષ્ટ્રીય ક્રાઈમ કોર્ટની દખલગીરીને નકારતું આવે છે. માઈક પોમ્પિઓએ તો આ સંસૃથાને ન્યાયના નામે ચાલતી પોલિટિકલ સંસૃથા ગણાવીને નિંદા કરી હતી. આંતરરાષ્ટ્રીય ક્રાઈમ કોર્ટમાં એવી દલીલ થઈ હતી કે કોઈ પણ યુદ્ધના ગુનાઓ માટે કાર્યવાહી થવી જ જોઈએ.