ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન (FIA) ઓફ ન્યૂયોર્ક, ન્યૂજર્સી, સીટી દ્વારા 7 ઓગસ્ટના રોજ ન્યૂયોર્કમાં ભારતના નવનિયુક્ત કોન્સલ જનરલ રણધિર કુમાર જયસ્વાલનો સ્વાગત સમારંભ યોજાયો હતો. આ સમારંભ ન્યૂજર્સીમાં ફોર્ડ્સ ખાતે રોયલ આલ્બર્ટ્સ પેલેસ ખાતે યોજાયો હતો. ન્યૂજર્સી રાજ્યમાં વધુ પ્રમાણમાં લોકોના એકત્ર થવા પરના પ્રતિબંધ અને નિયમોને કારણે મર્યાદિત લોકોની હાજરીમાં આ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.

સમારંભમાં પ્રવેશ પહેલા મહેમાનોનું સ્મિતા મિકી પટેલનાં નેતૃત્વમાં એસોસિએશનના સ્વયંસેવકોએ ટેમ્પરેચર તપાસ્યું હતું અને મહેમાનોને માસ્ક આપીને સોશિયલ ડિસ્ટન્ટસિંગનું પાલન કરાયું હતું. સમાંરભમાં એસોસિએસનના પદાધિકારીઓ, ઇન્ડિયન અમેરિકન સમુદાયના પ્રતિષ્ઠિત લોકો અને મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

એસોસિએશનના ટ્રસ્ટી બોર્ડના સભ્ય એન્ડી ભાટિયાએ સમારંભનું સંચાલન કર્યું હતું. એસોસિએસનના પ્રેસિડેન્ટ અનિલ બંસલ, ચેરમેન અંકુર વૈદ્ય, વરિષ્ઠ સલાહકારો પદ્મશ્રી ડો. સુધીર એસ. પરીખ, પદ્મશ્રી ડો. એચ. આર. શાહ વગેરેએ કોન્સલ જનરલ જયસ્વાલ અને ડેપ્યુટી કોન્સલ જનરલ શત્રુઘન સિંહાનું સ્વાગત કર્યું હતું. સંસ્થાના સ્થાપક અને આઇ ફાઉન્ડેશન ઓફ અમેરિકાના ડો. વી. કે. રાજુએ સંસ્થાની કામગીરીનો પરિચય આપ્યો હતો.

એડિશન ડેમોક્રેટિક પાર્ટીના ચેરમેન મહેશ ભાગીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. સંસ્થાના ટ્રસ્ટી દીપક પટેલે જયસ્વાલનો પરિચય આપ્યો હતો. અગાઉ તેઓ ભારતમાં રાષ્ટ્રપતિના સલાહકાર તરીકે અને જોહાનીસબર્ગમાં કોન્સલ જનરલ તરીકે કાર્યરત હતા.

કોન્સલ જનરલ જયસ્વાલે પોતાના સ્વાગત બદલ સંસ્થા પ્રત્યે આભાર વ્યક્ત કરીને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમણે ન્યૂયોર્કમાં ઇન્ડિયા ડે પરેડના આયોજન માટે FIAની સરાહના કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઇન્ડિયન અમેરિકન્સ શાંતિ અને પ્રગતિ માટે જાણીતા છે. ભારતીયોએ વિશ્વભરમાં પોતાની અનોખી ઓળખ ઊભી કરી છે. ભારતીય સમુદાય અમેરિકા અને ઇન્ડિયાની મિત્રતાને વધુ મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તેમણે ઉપસ્થિત લોકોને દરેક કાર્યમાં સહકારની ખાતરી આપી હતી.