Getty Images)

કેન્દ્ર સરકાર અને મમતા બેનરજી વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ બંધ થવાનું નામ જ નથી લઈ રહી. એવામાં રક્ષા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 26 જાન્યુઆરીના રોજ યોજાનારી ગણતંત્ર દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીને રદ્દ કરી દેવામાં આવી છે. પશ્ચિમ બંગાળ સરકાર છોકરીઓ માટે ચાલતી યોજના ‘કન્યાશ્રી’ને ગણતંત્ર પરેડમાં દર્શાવવા ઈચ્છતી હતી.

આ યોજનાને આંતરરાષ્ટ્રીય સ્તર પર વખાણવામાં પણ આવી હતી. મંત્રાલયે કહ્યું કે, પશ્ચિમ બંગાળ સરકાર તરફથી રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવની તપાસ એક્સપર્ટ કમિટીએ બે રાઉન્ડની બેઠકમાં કરી છે. બીજી કમિટીની બેઠકમાં વિસ્તારપૂર્વક ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે તેમની આ ઝાંખીને પરવાનગી આપવામાં નહીં આવે. ત્યારબાદ પશ્ચિમ બંગાળના અધિકારીઓએ જણાવ્યું કે રક્ષા મંત્રાલયની એક્સપર્ટ કમિટીની બેઠકમાં ઝાંખી વિશે ચર્ચા કરવા માટે અમને બોલાવવામાં જ નહતા આવ્યા.

2015થી લઈને અત્યાર સુધી પશ્ચિમ બંગાળ સરકાર બે વખત ‘કન્યાશ્રી’ યોજનાને દર્શાવવાનો પ્રયત્ન કરી ચૂકી છે, પરંતુ બંને વખતે તેમને આ માટે મંજૂરી મળી નહતી. 2018માં બંગાળ સરકારે ‘એકતા-એ-સમ્પ્રતિ’ એટલે કે ‘એકતા જ ભાઈચારો’ છેની થીમ પર ઝાંખી નિકાળવાની કોશિશ કરી હતી, પરંતુ ત્યારે પણ કંઈક આવો જ મામલો સામે આવ્યો હતો. આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ માટે 56માંથી કુલ 22 ઝાંખીઓની પસંદગી કરવામાં આવી છે જેમાંથી 16 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોથી અને છ અલગ-અલગ મંત્રાલયોમાંથી છે.