ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી મહિલા ટી-20 વર્લ્ડ કપની ચોથી ગ્રુપ મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવી ભારત અજેય રહ્યું હતું. સેમિફાઇનલમાં તો ટીમે પોતાનું સ્થાન ત્રીજી મેચમાં વિજય સાથે જ નિશ્ચિત કર્યું હતું.
શ્રીલંકાએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા નવ વિકેટે 113 રન કર્યા હતા. કેપ્ટન ચમારી અટ્ટાપટ્ટુએ સૌથી વધુ 33 રન અને કવિશા દિલ્હારીએ 25 રન કર્યા હતા. ભારત તરફથી રાધા યાદવે ચાર ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ તથા રાજેશ્વરી ગાયકવાડે બે અને દીપ્તિ શર્મા, શિખા પાંડે તથા પૂનમ યાદવે એક-એક વિકેટ લીધી હતી. ભારત તરફથી ઓપનર શેફાલી વર્માએ 47 રન કર્યા હતા. તે સતત બીજી મેચમાં અડધી સદી ચૂકી ગઇ હતી. કેપ્ટન હરમનપ્રીત કોર 15 રને આઉટ થઇ હતી. સ્મૃતિ મંધાનાએ 17 રન કર્યા હતા.
ભારતે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 17 રને, બીજી મેચમાં બંગલાદેશને 18 રને અને ત્રીજી મેચમાં ન્યૂઝીલેન્ડને ચાર રને હરાવ્યું હતું. શ્રીલંકા સેમિફાઇનલની રેસમાંથી બહાર ફેકાઈ ગયું છે.