વિશ્વભરમાં કોરોનાના 14 લાખ 31 હજાર 706 કેસ નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધીમાં 83 હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્રણ લાખ બે હજાર 150 લોકોને સારવાર પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. ઈટાલી બાદ હવે અમેરિકામાં કોરોના ખરાબ સ્થિતિ સર્જી રહ્યું છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં બે હજાર લોકોએ જીવ ગુમાવ્યો છે, તેમાંથી ન્યૂયોર્કમાં એક દિવસમાં 731 લોકોએ જીવ ગુમાવ્યો છે, ન્યૂયોર્કમાં મૃત્યુદર 5489 થયો છે. અમેરિકામાં ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે અને 12 હજાર 854 લોકોએ જીવ ગુમાવ્યો છે.

લોકડાઉનના કારણે વિશ્વભરમાં એક અબજ લોકોની રોજગારી ઉપર જોખમ છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જાયર બોલસોનારોએ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખીને મેલેરિયાની દવા હાઈડ્રોક્સિક્લોરોક્વિનની નિકાસ કરવાનો અનુરોધ કર્યો છે. ટોક્યોમાં બુધવારે કોરોના વાઈરસથી સંક્રમણના 144 નવા કેસ નોંધાયા છે.

આ મહામારીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં આટલી મોટી સંખ્યામાં એક દિવસમાં નોંધાયેલા આ કેસ સૌથી વધારે છે, તેમ ટોક્યોના ગવર્નર યુરિકો કોઈકે જણાવ્યું હતું. જાપાનની રાજધાનીમાં કુલ 1,339 સંક્રમણના કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં કુલ કેસ 4,768 થયા છે. જ્યારે મૃત્યુઆંક 98 થયો છે. યુરોપના દેશો તથા અમેરિકાની તુલનામાં જાપાનમાં કોરોના સંક્રમણની સંખ્યા ખૂબ જ ઓછી છે. પ્રધાનમંત્રી શિંઝોએ ટોક્યો, ઓસાકા અને અન્ય પાંચ વિસ્તારોમાં ઈમર્જન્સી જાહેર કરી છે.