યામી ગૌતમને આજકાલ ઘણા કૉમેડી રોલની ઑફર થઈ રહી છે. તેણે ૨૦૧૯માં આવેલી ‘બાલા’માં ટિકટૉક સ્ટાર પરીનું પાત્ર ભજવ્યું હતું. આ પાત્ર માટે તેની ઘણી વાહવાહી થઈ હતી. આ ફિલ્મ બાદ યામીને હવે બૉલીવુડમાં કૉમેડી કરી શકનાર અભિનેત્રી તરીકે જોવામાં આવી રહી છે. તેના કૉમિક ટાઇમિંગને કારણે ઘણા ફિલ્મમેકરની નજર તેના પર ગઈ છે, પરંતુ તે તેની ફિલ્મ પસંદ કરવામાં ખૂબ જ સાવધાની રાખી રહી છે. તે કોઈ ચોક્કસ પ્રકારની ફિલ્મનો ટૅગ પોતાના પર રાખવા નથી માગતી. તે હંમેશાંથી કૉમેડીને પસંદ કરતી આવી છે. તે પહેલેથી એવું પાત્ર પસંદ કરવા માગતી હતી જેનાથી દર્શકોને મનોરંજન પૂરું પાડી શકે અને તેમને હસાવી શકે. જો કોઈ એક પ્રકારની ફિલ્મમાં સારું કામ કરે તો તેને એવી ઘણી ફિલ્મોની ઑફર કરવામાં આવે એ બૉલીવુડ માટે નવી વાત નથી. તે હવે વિક્રાંત મૅસી સાથે રોમૅન્ટિક-કૉમેડી ફિલ્મ ‘ગિની વેડ્સ સની’માં જોવા મળશે.