(Photo by Ian Forsyth/Getty Images)

પ્રથમ “વર્ચુઅલ” પાર્ટી કોન્ફરન્સની પૂર્વસંધ્યાએ સર કેર સ્ટાર્મરને પ્રોત્સાહન આપતાં સમાચાર એવા છે કે પહેલી વખત યુગોવ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં કન્ઝર્વેટિવ્સ અને લેબર પાર્ટીએ સમાન મત મેળવ્યા છે. ટાઇમ્સના યુગોવ સર્વેમાં બંને મુખ્ય પક્ષોને 40-40 ટકા મતો મળ્યા હતા.

ગયા વર્ષે બોરીસ જ્હોન્સન વડા પ્રધાન બન્યા બાદ અને છેલ્લા સર્વેક્ષણ પછી લેબર પક્ષ ત્રણ પોઇન્ટ વધ્યો હતો, જ્યારે કન્ઝર્વેટિવ્સની લોકપ્રિયતામાં બે પોઇન્ટનો ઘટાડો થયો હતો. લિબ ડેમ્સ પક્ષ 6 ટકા પર યથાવત રહ્યો હતો. આ પરિણામો સૂચવે છે કે લેબર નેતા સર કેર સ્ટાર્મરની સરકારને કોરોનાવાયરસ રોગચાળા બાબતે લક્ષ્યાંક બનાવવાની વ્યૂહરચનાથી લોકોનો ટેકો તેમને મળી રહ્યો છે.

શ્રેષ્ઠ વડા પ્રધાન પદ માટે 34 ટકા લોકોએ સર કેરને અને 30 ટકાએ શ્રી જ્હોન્સનને પસંદ કર્યા હતા. જ્યારે 31 ટકા લોકોએ કહ્યું હતું કે તેમને ખબર નથી. આ મતદાનમાં જણાયું હતું કે 35 ટકા લોકોએ માની લીધું છે કે સર કેરે પાર્ટીમાં વધુ સારા ફેરફાર કર્યા છે. માત્ર 4 ટકા લોકોએ વિચાર્યું હતું કે તેમણે ખરાબ કર્યું છે. જો કે લેબરને અર્થતંત્ર બાબતે 34 ટકા લોકોનો જ ટેકો છે. જે 40 ટકા મતદારોની ટોચની અગ્રતા હતી.