અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે જણાવ્યું હતું કે તેમણે એપલના સીઈઓ ટિમ કૂકને ભારતમાં આઈફોનનું ઉત્પાદન બંધ કરવા અને અમેરિકામાં ઉત્પાદન કરવા કહ્યું છે.
એપલે અમેરિકામાં સ્માર્ટફોનનું ઉત્પાદન કરતી નથી. કંપની મોટાભાગે આઇફોનનું ઉત્પાદન ચીનમાં કરે છે. ભારત ખાતેના પ્લાન્ટ્સમાં દર વર્ષે લગભગ 40 મિલિયન યુનિટનું ઉત્પાદન થાય છે, જે એપલના કુલ ઉત્પાદનના આશરે 15 ટકા છે.
કતારના દોહામાં ટ્રમ્પની ટિપ્પણી પછી તરત જ, ભારતીય સરકારી અધિકારીઓએ એપલના અધિકારીઓ સાથે વાતચીત કરી, જેમણે ખાતરી આપી કે ભારત માટે એપલની રોકાણ યોજનાઓ અકબંધ છે અને કંપની દેશને તેની પ્રોડક્ટનો મુખ્ય મેન્યુફેક્ચરિંગ બેઝ બનાવવા માગે છે.
દોહામાં એપલના સીઈઓ સાથેની વાતચીત વિશે ટ્રમ્પે જણાવ્યું હતું કે “ગઈકાલે મને ટિમ કૂક સાથે થોડી સમસ્યા થઈ હતી. મેં તેમને કહ્યું, ટિમ, તમે મારા મિત્ર છો. મેં તમારી સાથે ખૂબ સારો વ્યવહાર કર્યો છે. તમે 500 અબજ ડોલર (રોકાણ) લઈને આવી રહ્યા છો. પરંતુ હવે મેં સાંભળ્યું છે કે તમે આખા ભારતમાં નિર્માણ કરી રહ્યા છો. જો તમે ભારતની સંભાળ રાખવા માંગતા હો, તો હું નથી ઇચ્છતો કે તમે ભારતમાં નિર્માણ કરો.”
એપલે આ વર્ષની શરૂઆતમાં આગામી ચાર વર્ષમાં અમેરિકામાં 500 અબજ ડોલરનું રોકાણ કરવાની પ્રતિબદ્ધતા આપી હતી. ટ્રમ્પે કહ્યું કે એપલ “યુનાઇટેડ સ્ટેટ્સમાં તેમનું ઉત્પાદન વધારશે.”ટ્રમ્પે સૂચન કર્યું હતું કે એપલ ભારતીય બજાર માટે ભારતમાં તેની પ્રોડક્ટ બનાવી શકે છે. પરંતુ અમેરિકામાં વેચાતા મેડ ઇન ઇન્ડિયા આઇફોન બંધ કરવા પડશે.
તમિલનાડુમાં તાઇવાનની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ કંપની ફોક્સકોનની ફેક્ટરીમાં આઇફોનનું એસેમ્બલિંગ થાય છે. ભારતમાં પેગાટ્રોન કોર્પના બિઝનેસનું સંચાલન કરતી ટાટા ઇલેક્ટ્રોનિક્સ પણ આઇફોનની ઉત્પાદક છે. ટાટા અને ફોક્સકોન નવા પ્લાન્ટ બનાવી રહ્યા છે. ૩૧ માર્ચના રોજ પૂરા થયેલા વર્ષમાં એપલે ભારતમાં ૬૦ ટકા વધુ આઇફોન એસેમ્બલ કર્યા હતાં, જેની કિંમત અંદાજે ૨૨ અબજ ડોલર છે.ફોક્સકોને નિકાસ માટે તેલંગાણામાં એપલ એરપોડ્સનું ઉત્પાદન પણ શરૂ કર્યું છે.
