
લેસ્ટર સિટી કાઉન્સિલે સલામતીના કારણોસર આ વર્ષના લેસ્ટર દિવાળી ઉત્સવની ઉજવણી – કાર્યક્રમને પાછો ખેંચવાની યોજના જાહેર કર્યા પછી, લેસ્ટરના વિશ્વ-પ્રસિદ્ધ અને લાંબા સમયથી ભારતની બહારના સૌથી મોટામાંના એક લેસ્ટર દિવાળી ઉત્સવને ઉજવણી વિવાદના કેન્દ્રમાં છે.
કોન્ઝર્વેટીવ સાંસદો શિવાની રાજા (લેસ્ટર ઇસ્ટ) અને નીલ ઓ’બ્રાયન (હાર્બરો, ઓડબી અને વિગસ્ટન)એ કાઉન્સિલને તેના નિર્ણયને પાછો ખેંચવા અને સંપૂર્ણ કાર્યક્રમને ફરીથી સ્થાપિત કરવા વિનંતી કરતી પીટીશન શરૂ કરી છે. આ પીટીશનમાં થોડા દિવસોમાં જ 2,680થી વધુ સહીઓ એકત્રિત થઇ છે.
પોલીસ, ઇમરજન્સી સેવાઓ અને સલામતી નિષ્ણાતોથી બનેલા કાઉન્સિલના સલામતી સલાહકાર જૂથ (SAG) એ 20 ઓક્ટોબરના રોજ બેલગ્રેવ રોડ – લેસ્ટરના ગોલ્ડન માઇલ પર યોજાનાર ઉત્સવમાંથી આતશબાજી, સ્ટેજ મનોરંજન, કોસિંગ્ટન પાર્ક ખાતે દિવાળી વિલેજ, ફૂડ સ્ટોલ, ફનફેર રાઇડ્સ અને સાંસ્કૃતિક પ્રદર્શનને દૂર કરવાની ભલામણ કરી હતી. હવે ગોલ્ડન માઇલને પ્રકાશિત કરતા 6,000થી વધુ બલ્બની ખૂબ જ પ્રિય દિવાળી લાઇટ્સ અને આઇકોનિક વ્હીલ ઓફ લાઇટ બાકી રહેશે. મુલાકાતીઓ રેસ્ટોરાં અને દુકાનોની મુલાકાત લઇ શકે તે માટે બેલગ્રેવ રોડ ટ્રાફિક માટે બંધ રહેશે.
અધિકારીઓ દલીલ કરે છે કે ગયા વર્ષના તહેવારોમાં અંદાજે 55,000 લોકો ભેગા થયા હતા. પોલીસે “અનિયંત્રિત ભીડ” અને “ધક્કામૂક્કી અને કચડાઇ જવાની ઘટનાઓ”નો ઉલ્લેખ કર્યો હતો જેણે જાહેર સલામતી માટે ગંભીર જોખમો ઉભા કર્યા હતા.
આ નિર્ણયથી સ્થાનિક નેતાઓ અને વ્યાપક હિન્દુ સમુદાયમાં ગુસ્સો ફેલાયો છે. 40 વર્ષથી વધુ સમયથી ગોલ્ડન માઇલ પર ઉજવાતી લેસ્ટરની દિવાળીને બહુસાંસ્કૃતિક બ્રિટનના પ્રતીક અને શહેરના અર્થતંત્ર માટે મોટા પ્રોત્સાહન તરીકે જોવામાં આવે છે.
પીટીશન કરનાર બન્ને સાંસદોએ કહ્યું હતું કે “લેસ્ટરનો દિવાળી ઉત્સવ ગૌરવપૂર્ણ પરંપરા છે જે પરિવારો, સમુદાયો અને વિશ્વભરના મુલાકાતીઓને એકસાથે લાવે છે. પરંતુ 2025માં, આ તહેવાર ફક્ત રોશની સુધી જ મર્યાદિત રહેવાનું જોખમ ધરાવે છે. કાપ મૂકવાને બદલે, કાઉન્સિલ અને પોલીસે વધારાના સંસાધનો અને અધિકારીઓમાં રોકાણ કરવું જોઈએ જેથી ઉત્સવ તેના પરંપરાગત સ્વરૂપમાં સુરક્ષિત રીતે આગળ વધી શકે.’’
શહેરના મેયર સર પીટર સોલ્સબીએ કહ્યું હતું કે તેમણે સમુદાયના કેટલાક પ્રસ્તાવોને સમર્થન આપ્યું હતું પરંતુ તે બધાને SAG દ્વારા નકારી કાઢવામાં આવ્યા હતા. હું લેસ્ટરની દિવાળીને શક્ય તેટલી સારી બનાવવાની ઇચ્છાને સંપૂર્ણપણે સમજું છું. પરંતુ સલામતી નિષ્ણાતોએ વધારાની પ્રવૃત્તિઓને નકારી કાઢી છે. મને આશા છે કે આ એવી બાબત છે જેની આવતા વર્ષે સમીક્ષા કરવામાં આવશે.”
સાંસદોએ પીટીશનમાં સીટી કાઉન્સિલ, બેલગ્રેવ બિઝનેસ એસોસિએશન, સમુદાયના નેતાઓ અને સલામતી સંસ્થાઓ વચ્ચે સહયોગની હાકલ કરી છે જેથી પરંપરા અને સલામતી બંનેને જાળવી રાખવામાં આવે તેવું સમાધાન શોધી શકાય.
હાલ પૂરતું તો લેસ્ટરની દિવાળી 2025 આતશબાજી, ભોજન અથવા સાંસ્કૃતિક પ્રદર્શન વિના આગળ વધશે. પીટીશન માટે જુઓ https://www.change.org/p/don-t-dim-leicester-s-diwali
