પાકિસ્તાન
REUTERS/Satish Kumar

એશિયા કપ ટી-૨૦ની દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રવિવાર, 28 સપ્ટેમ્બરે કટ્ટર હરીફ પાકિસ્તાનને પાંચ વિકેટે હરાવીને ભારત આ ટુર્નામેન્ટમાં રેકોર્ડ નવમી વખત ચેમ્પિયન બન્યું હતું.

પાકિસ્તાને ભારતને વિજય માટે 147 રનનો ટાર્ગેટ આપ્યો હતો.ભારત તરફથી કુલદીપ-અક્ષર અને વરૂણે ઘાતક બોલિંગ કરતાં પાકિસ્તાન કોઇ મોટો સ્કોર રજૂ કરી શક્યું ન હતું. કુલદીપ યાદવે ૩૦ રનમાં ચાર વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ, અક્ષર અને વરૂણે ૨-૨ વિકેટ મેળવી હતી.

તિલક વર્માની 53 બોલમાં 69 રનની અણનમ ઈનિંગની મદદથી મેચમાં ભારતે વિજય મેળવ્યો હતો. ભારત તરફથી શિવમ દુબેએ 33 રન બનાવ્યા હતાં. મેચ છેલ્લી ઓવર સુધી રોમાંચક બની હતી. પાકિસ્તાનના ટાર્ગેટનો પીછો કરતાં ભારતની એક સમયે 20 રનમાં ત્રણ વિકેટ પડી ગઈ હતી અને ભારત પર દબાણ આવ્યું હતું. જોકે તિલક વર્માએ એક છેડો સાચવી રાખીને મેચમાં ભારતને વિજય અપાવ્યો હતો. રિન્કુ સિંઘે વિજયી ચોગ્ગો ફટકાર્યો હતો.
ભારત ૨૦૧૬ પછી પહેલીવાર ટી-૨૦ના ફોર્મેટમાં એશિયા કપ જીતવામાં સફળતા મેળવી હતી.

હાઈવોલ્ટેજ ફાઈનલમાં જીતવા માટેના ૧૪૭ના આસાન લાગતા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા ભારતે અભિષેક (૫) બાદ સૂર્યકુમાર (૧) અને ગિલ (૧૨) જેવા ધરખમ બેટ્સમેનોની વિકેટ માત્ર ૨૦ રનના સ્કોર પર ગુમાવી દીધી હતી. ભારતને અત્યંત નાજુક સ્થિતિમાંથી ઉગારતાં યુવા બેટ્સમેન તિલક વર્માએ ભારે પરિપક્વતા સાથે બેટિંગ કરતાં ૫૩ બોલમાં ૩ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૬૯ રનની અણનમ ઈનિંગ રમી હતી. તિલકે સેમસન (૨૪) સાથે ચોથી વિકેટમાં ૫૦ બોલમાં ૫૭ અને દુબે (૩૩) સાથે પાંચમી વિકેટમાં ૪૦ બોલમાં ૬૦ રન જોડતાં ભારતની જીત અપાવી હતી. પાકિસ્તાન તરફથી અશરફે ત્રણ વિકેટ મેળવી હતી.

અગાઉ ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પ્રથમ પાકિસ્તાનને બેટિંગમાં ઉતાર્યું હતુ. ઓપનર ફરહાને ૩૮ બોલમાં ૫૭ રન ફટકાર્યા હતા. તેણે ઝમાન (૪૬)ની સાથે મળીને ૮૪ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી. ભારતીય સ્પિનર વરૂણે ૧૦મી ઓવરમાં આ ભાગીદારીને તોડતા ફરહાનને આઉટ કર્યો હતો.

ભારતીય સ્પિનરોએ પછી તો બાજી પલ્ટી નાંખી હતી. કુલદીપે અયુબ (૧૪)ને, અક્ષરે હારિસ (૦)ને અને વરૂણે ઝમાન (૪૬)ને આઉટ કર્યા હતા. તલત (૧) અક્ષરનો બીજો શિકાર બન્યો હતો. કુલદીપ યાદવે આ પછી એક જ ઓવરમાં આગા (૮), આફ્રિદી (૦) અને અશરફ (૦)ની વિકેટ ઝડપતાં પાકિસ્તાનને સાવ હાંસિયામાં ધકેલી દીધુ હતુ. બુમરાહે આખરે રઉફ બાદ નવાઝને આઉટ કરતાં પાકિસ્તાન ૧૯.૧ ઓવરમાં ૧૪૬ રનમાં સમેટાયું હતુ.

 

LEAVE A REPLY