ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ માટે એશિઝ જંગનો આરંભ નામોશીભર્યા પરાજય સાથે થયો હતો. સૌથી વધુ ચોંકાવનારી બાબત તો એ હતી કે, પહેલી ઈનિંગમાં સાધારણ સરસાઈ મેળવ્યા પછી પ્રવાસી ટીમનો ઓસ્ટ્રિલયા સામે 8 વિકેટે પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયન બોલર મિચેલ સ્ટાર્કને 10 વિકેટ બદલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.
ટોસ જીતીને ઈંગ્લેન્ડના સુકાની બેન સ્ટોક્સે પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. મેચનો પહેલા દિવસ જબરજસ્ત નાટ્યાત્મક રહ્યો હતો. ઈંગ્લેન્ડ પહેલી ઈનિંગમાં ફક્ત 32.5 ઓવરમાં 172 રન કરી ઓલાઉટ થયું હતું. એકમાત્ર હેરી બ્રુકે અડધી સદી (52) કર્યા હતા, તો તેના સિવાય ઓલી પોપે 46, વિકેટ કીપર જેમી સ્મિથે 33 અને ઓપનર બેન ડકેટે 21 રન કર્યા હતા. મિચેલ સ્ટાર્કે 58 રનમાં સાત વિકેટ ઝડપી હતી.
તેના જવાબમાં દિવસના અંકે ઓસ્ટ્રેલિયાએ પણ ફક્ત 39 ઓવરમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી અને તેનો સ્કોર 123 રનનો થયો હતો. આ રીતે, પહેલા દિવસે 295 રનમાં ધડાધડ 19 વિકેટો ખરી પડી હતી. બીજા દિવસે વધુ 9 રન ઉમેરી ઓસ્ટ્રેલિયાએ છેલ્લી વિકેટ ગુમાદી દેતા 132 રનમાં તે ઓલાઉટ થયું હતું અને ઈંગ્લેન્ડને પહેલી ઈનિંગમાં મહત્ત્વની 40 રનની સરસાઈ મળી હતી.
પણ બીજી ઈનિંગમાં ઈંગ્લેન્ડનો દેખાવ લગભગ પહેલી ઈનિંગ જેવો જ રહ્યો હતો, ટીમ 34.4 ઓવરમાં 164 રન કરી તંબુ ભેગી થઈ ગઈ હતી. ગસ એટકિન્સનના 37, ઓલી પોપના 33 અને બેન ડકેટના 28 રન મુખ્ય હતા, તો મિચેલ સ્ટાર્કે ફરી ત્રણ વિકેટ ખેરવી પર્થ ટેસ્ટમાં કુલ 10 શિકાર ઝડપ્યા હતા. તેના સિવાય સ્કોટ બોલાન્ડે ચાર તથા બ્રેન્ડન ડોગેટે ત્રણ વિકેટ લીધી હતી.
પણ ચોથી ઈનિંગમાં વિજય માટે 205 રનના ટાર્ગેટ સાથે મેદાને પડેલી ઓસ્ટ્રેલિયન ટીમ માટે ટ્રેવિસ હેડે ફક્ત 83 બોલમાં ચાર છગ્ગા અને 16 ચોગ્ગા સાથે 123 રનની ઝંઝાવાતી ઈનિંગ રમી ટીમને આઠ વિકેટે વિજયમાં મોખરાની ભૂમિકા ભજવી હતી. તેના ઉપરાંત લબુશેને અણનમ 51 રન કર્યા હતા અને ટીમે ફક્ત 28.2 ઓવરમાં બે વિકેટે 205 રનનો ટાર્ગેટ હાંસલ કર્યો હતો.
સિરીઝની બીજી ટેસ્ટ મેચ 4 ડિસેમ્બરથી બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાશે. આ ડે-નાઈટ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાશે.














