(Photo by Roberto Schmidt/Getty Images)

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગત સપ્તાહે સદીના સૌથી ગંભીર સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયેલા જેફરી એપસ્ટેઇન સાથે સંબંધિત તમામ ફાઇલો જાહેર કરવાની મંજુરી આપતાં હવે વિશ્વના સૌથી મોટા ‘સેક્સ સ્કેન્ડલ’નો પર્દાફાશ થઇ શકે છે. એપસ્ટેઇનના સેક્સ કૌભાંડમાં અમેરિકા અને યુરોપના અગ્રણી રાજકીય નેતા અને સેલિબ્રીટીઓના નામ ખુલી શકે છે.

અહેવાલ મુજબ ટ્રમ્પે આ અંગેના એક બિલ પર હસ્તાક્ષર કર્યા બાદ એપસ્ટેઇન ફાઇલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ હેઠળ તમામ માહિતી જાહેર કરવામાં આવશે. ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એપસ્ટેઇન કેસની તપાસ વિશેની તમામ ફાઈલ્સ 30 દિવસની અંદર સર્ચ કરી શકાય તેવા અને ડાઉનલોડ કરી શકાય તેવા ફોર્મેટમાં જાહેર કરશે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોત કરીને જણાવ્યું કે એપસ્ટેઇનના ડેમોક્રેટીક પાર્ટીના નેતાઓ સાથે સંબંધો હોવાના કારણે આ ફાઇલો જાહેર કરવાના બિલને મંજૂરી આપવાનું નક્કી કર્યું છે.

ટ્રમ્પે લખ્યું,”ડેમોક્રેટ્સ અને જેફરી એપ્સ્ટેઇનના સંબંધો વિશેનું સત્ય ટૂંક સમયમાં જાહેર થશે, કારણ કે મેં એપ્સ્ટેઇન ફાઇલો બહાર પાડવા માટેના બિલ પર હસ્તાક્ષર કર્યા છે. જેમ કે બધા જાણે છે, મેં હાઉસના સ્પીકર માઇક જોહ્ન્સનને હાઉસ અને સેનેટ મેજોરીટી લીડર જોન થુનને સેનેટમાં આ બિલ પસાર કરવા કહ્યું હતું. બિલના તરફેણમાં લગભગ સર્વસંમતિથી મત મળ્યા. મારા નિર્દેશ પર ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ પહેલાથી જ કોંગ્રેસને લગભગ પચાસ હજાર પાનાના દસ્તાવેજો સોંપી ચુક્યું છે.”

દોષિત સેક્સ ટ્રાફિકર્સ જેફરી એપ્સટિન, ગીસ્લેન મેક્સવેલ અને તેમના સહયોગીઓ સામેના કેસોની તપાસ દરમિયાન મળેલી માહિતીની ફાઈલોમાં ગુપ્ત રાખવામાં આવી છે, જેને ‘એપસ્ટેઇન’ ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે. અહેવાલ મુજબ આ કેસ અંગેની ફાઈલ્સનો 300 ગીગાબાઇટ્સથી વધુ ડેટા ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન(FBI)ની કેસ મેનેજમેન્ટ સિસ્ટમમાં સંગ્રહિત છે.

આ ડેટાબેઝમાં જેફરી એપ્સ્ટેઇનના ગ્રાહકોની યાદીપણ છે, જેમાં ખુદ પ્રમુખ ટ્રમ્પ, ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન, બ્રિટિશ શાહી પરિવારના રાજકુમાર એન્ડ્રુ અને અમેરિકાના ઘણાં સરકારી અધિકારીઓના નામ હોવાની શક્યતા છે.
એપસ્ટેઇન સાથે જોડાયેલા લગભગ 20,000 પાનાના દસ્તાવેજો તાજેતરમાં જ જાહેર કરવામાં આવ્યા હતાં. એપસ્ટેઇને 2018 ના એક મેસેજમાં ટ્રમ્પનો સીધો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “હું જ તેને નીચે પાડી શકું છું,” અને “હું જાણું છું કે ડોનાલ્ડ કેટલો ગંદો છે.”

ડીપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ 2019 માં ફેડરલ જેલમાં જેફરી એપસ્ટેઇના મોત અંગેની તપાસ વિશેની માહિતી પણ જાહેર કરવામાં આવશે.

LEAVE A REPLY