વડાપ્રધાન બોરિસ જ્હોન્સને નવા પુત્રનુ મુખ કદી જોઇ નહિ શકે તેવા ડરે કોરોનાવાયરસ સામે ટક્કર લીધી હતી અને આખરે તેમની પુત્ર પ્રેમની જીજીવીષાએ તેમને જીવાડ્યા હતા. જ્હોન્સને પોતાના પુત્રનુ નામ વિલ્ફ્રેડ લૌરી નિકોલસ જ્હોન્સન પોતાના દાદા ઓસ્માન વિલ્ફ્રેડ કેમલના નામ પરથી પાડ્યુ છે અને નિકોલસ નામ તેમની સારવાર કરનાર એનએચએસ ડૉક્ટરો ડૉ. નિક પ્રાઇસ અને ડૉ. નિક હાર્ટના નામ પરથી ઉમેર્યુ છે. જેમણે બોરીસને ગયા મહિને જિંદગી આપી હતી.
વિલફ્રેડનો જન્મ સેન્ટ્રલ લંડનની એનએચએસની યુનિવર્સિટી કોલેજ હોસ્પિટલની મેટરનીટી વિંગમાં 29.04.20 ના રોજ સવારે 9 વાગ્યે વડા પ્રધાન હોસ્પિટલમાંથી મુક્ત થયા તેના માત્ર બે અઠવાડિયા પછી થયો હતો. તેઓ બાળકના જન્મથી ‘રોમાંચિત’ હતા.
55, વર્ષના વડા પ્રધાન જ્હોન્સન એપ્રિલમાં લંડનની સેન્ટ થોમસ હોસ્પિટલમાં એક અઠવાડિયા સુધી વાયરસ સામે લડ્યા હતા. જેમાં ત્રણ દિવસ તેમને ઇન્ટેન્સિવ કેર યુનિટમાં સારવાર આપવામાં આવી હતી. તેમણે સ્વીકાર્યું હતું કે એક સમયે તો ડોકટરોએ પણ તેમના મૃત્યુની ઘોષણા કરવાની તૈયારી કરી નિવેદન પણ તૈયાર કર્યું હતું.
સન દૈનિક સાથેની મુલાકાતમાં હોસ્પિટલના અનુભવ વિષે જણાવ્યું હતું કે ‘’મેં સગર્ભા મંગેતર કેરી સાયમન્ડ્સ અને બાળકના જન્મ વિશેના ‘સકારાત્મક વિચારો’ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતુ. ઇન્ટેન્સિવ કેર યુનિટ છોડ્યાના માત્ર બે કલાક પછી એન.એચ.એસ. માટે મેં ગાંડાની જેમ તાળીઓ પાડી હતી અને ત્યારે ફક્ત બોક્સર શોર્ટ્સ પહેરેલુ હતુ. ગુરુવારનો દિવસ હતો. અમે થેમ્સ નદી તરફની મોટી વિંડોમાંથી મેટ પોલીસ અને ફાયર બ્રિગેડને તેમની બોટ સાથે પ્રદર્શન કરતા જોઇ હતી. ખૂબ જ અદભૂત હતુ.’’
તેમણે એન.એચ.એસ. સ્ટાફની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતુ કે ‘’મને તા. 9 ના રોજ ICUમાંથી જનરલ વોર્ડમાં લાવ્યા ત્યારે તેમણે તાળીઓ પાડી હતી. કદાચ તે ઘણા દર્દીઓ માટે કરતા હશે. પરંતુ ખરેખર તે તાળીઓ ડોકટરો અને નર્સો માટે પડવી જોઇએ જેઓ તેના માટે ખૂબ લાયક છે. હજુ ‘એવા લોકો છે કે જે હજી પણ વેન્ટિલેશન પર છે અને હજી પણ કોમામાં છે. ઘણા પરિવારો હજી પણ મોટી ચિંતાનો સામનો કરી રહ્યા છે તેમ જ ઘણા લોકોએ પ્રિયજનો ગુમાવ્યા છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે હું તેમાંથી પાછો આવીશ નહીં. હતાશા બહુ જ હતી. હું કહી શકું છું કે મેં એનએચએસને જીવન બચાવતા જોયું છે. સંસ્થા માટેનો મારો પ્રેમ અને પ્રશંસા અનહદ છે.’’