અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મેરીલેન્ડમાં આવેલી વોલ્ટર રીડ મિલિટરી હોસ્પિટલની શનિવારે માસ્ક પહેરીને મુલાકાત લીધી હતી. પ્રમુખ ટ્રમ્પે આખરે તેમના જાહેર આરોગ્ય અધિકારીઓ અને નિષ્ણાતોની વાતને માની જાહેરમાં માસ્ક પહેર્યો હતો.
તેમણે નેવી બ્લ્યુ રંગનો માસ્ક પહેર્યો હતો જેના પર ડાબી તરફ અમેરિકાના પ્રમુખનું સોનેરી સિલ મોજૂદ છે. મિલિટરી હોસ્પિટલથી વ્હાઇટ હાઉસ રવાના થતાં પૂર્વે તેમણે જણાવ્યું હતું કે હું કદી માસ્ક પહેરવાની વિરૂદ્ધ હતો જ નહીં. પણ હું માનું છું કે માસ્ક પહેરવાનો એક ચોક્કસ સમય અને સ્થળ હોય છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યાર સુધી જાહેરમાં માસ્ક પહેરવાનું ટાળ્યું તેના પગલે તેમના ઘણાં ટેકેદારોએ પણ માસ્ક પહેરવાનું ટાળતાં રહ્યા હતા. જો કે, હવે ઘણાં રિપબ્લિકન રાજ્યોમાં પણ માસ્ક પહેરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.
જાહેર આરોગ્ય અધિકારીઓ એન્થોની ફાઉસી અને ડેબોરાહ બિરક્સે પ્રમુખને તાકીદે માસ્ક પહેરવાની અપીલ કરી હતી. પણ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં જાહેર કાર્યક્રમોમાં પણ આ અપીલને ન ગણકારતાં માસ્ક પહેરવાની ના પાડી હતી. તેમણે નવેમ્બરની ચૂંટણીમાં પ્રમુખપદના સંભવિત પ્રતિસ્પર્ધી જો બિડેનની માસ્ક પહેરવા બદલ મજાક પણ ઉડાવી હતી.
બીજી તરફ ઇસ્ટર્ન યુરોપમાં કોરોનાના ચેપની સંખ્યા ફરી વધવાને પગલે ક્રોશિયામાં માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે તથા પ્રવાસ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. હંગેરીમાં દેશોને તેમના કોરોના ચેપના પ્રમાણના આધારે ત્રણ કેટેગરી રેડ, યલો અને ગ્રીનમાં વહેંચી કાઢવામાં આવ્યા છે. જેના આધારે એ દેશમાંથી આવતાં પ્રવાસીઓ પર નવા નિયંત્રણો લાદવામાં આવશે.
હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓરબાનના ચીફ ઓફ સ્ટાફ જેર્જલી ગુલ્યાસે જણાવ્યું હતું કે રેડ કેટેગરીમાં મુકવામાં આવેલા દેશો- અલ્બાનિયા, યુક્રેઇન, બેલારૂસ અને એશિયા,આફ્રિકા અને લેટિન અમેરિકાના તમામ દેશોના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
પાંચમી ઓગસ્ટે યોજાનારી સંસદીય ચૂંટણીના પ્રચાર માટે પ્રમુખ ગોટાબાયા અને વડા પ્રધાન મહિન્દા રાજપાકસા દ્વારા યોજાનારી ચૂંટણીસભાને રદ કરવામાં આવી છે. 12, 13 અને 14 જુલાઇએ યોજાનારી ચૂંટણીસભાઓને રદ કરવાની શ્રીલંકા પિપલ્સ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
શ્રીલંકામાં શુક્રવારે એક જ દિવસમાં 300 કેસો નોંધાયા હતા એ પછી શનિવારે બીજા 50 કેસો નોંધાવાને પગલે ચૂંટણીસભાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. શ્રીલંકાના પ્રમુખે નિયત મુદતના છ મહિના પહેલાં બીજી માર્ચે સંસદનું વિસર્જન કરી 25 એપ્રિલે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી. જો કે ચૂંટણી પંચે કોરોના મહામારી ફાટી નીકળતા એપ્રિલમાં યોજાનારી ચૂંટણીને મુલત્વી રાખી બાદમાં પાંચ ઓગસ્ટે ચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.