Ahmedabad: Indian cricket team poses with the trophy after winning T20 cricket series against England, at Narendra Modi Stadium in Ahmedabad, Saturday, March 20, 2021. (PTI Photo/Kamal Kishore)

શનિવારે (20 માર્ચ) અમદાવાદના નવા સ્ટેડિયમમાં રમાયેલી પાંચમી અને છેલ્લી ટી-20 મેચમાં ભારતે ટોસ હારીને પણ સતત બીજી મેચ અને સીરીઝ જીતી લીધી હતી. અગાઉની ચોથી મેચમાં પણ ઈંગ્લેન્ડે ટોસ જીતી ભારતને બેટિંગમાં ઉતાર્યું હતું અને છતાં મેચમાં ભારતનો અંતિમ ઓવરમાં ફક્ત 8 રને રોમાંચક વિજય થયો હતો, તો શનિવારે ભારત શરૂઆતથી જ છવાઈ ગયું હતું અને રનની રમઝટ બોલાવી 224 રનનો જંગી સ્કોર ખડકી દીધા પછી ઈંગ્લેન્ડને 36 રને હરાવ્યું હતું. ભારતના 225 રનના પડકાર પછી ઈંગ્લેન્ડની બીજી વિકેટની ભાગીદારીમાં જોસ બટલર તથા ડેવિડ મલાને ભારતીય ટીમનો જોરદાર મુકાબલો કર્યા છતાં એ ભાગીદારી તૂટ્યા પછી ભારત ફરી છવાઈ ગયું હતું અને 36 રને મેચ તથા સીરીઝ, બન્ને આંચકી લીધા હતા. રોહિત ખાસ કરીને ભારે આક્રમક મિજાજમાં હતો અને તેણે 34 બોલમાં 64 રન કર્યા હતા, જેમાં પાંચ છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 64 રન કર્યા હતા. ભારત તરફથી રોહિત શર્માની સાથે ઓપનિંગમાં કોહલી ઉતર્યો હતો અને બન્નેએ 94 રનનો માતબર સ્કોર કર્યો હતો.

તેની વિદાય પછી સૂર્યકુમાર યાદવે મોરચો સંભાળ્યો હતો અને ગઈ મેચની ઈંનિંગ જ જાણે આગળ ધપાવતો હોય તેમ ફક્ત ૧૭ બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૩૨ રન કર્યા હતા. આક્રમક બેટિંગના પ્રયાસમાં જ તેનો અદભૂત કેચ છેક બાઉન્ડરી ઉપર ઝડપાયો હતો. સુકાની કોહલીએ પણ જવાબદારીપૂર્વક છતાં ઝમકદાર બેટિંગ કરી બાવન બોલમાં બે છગ્ગા અને સાત ચોગ્ગા સાથે અણનમ 80 રન કર્યા હતા. આ ઈનિંગ સાથે તેણે સુકાની તરીકે ટી-20માં સૌથી વધુ 12 અડદી સદીનો નવો રેકોર્ડ પણ નોંધાવ્યો હતો.

ત્રીજી વિકેટની અણનમ ભાગીદારીમાં તેણે હાર્દિક પંડ્યા સાથે 81 રન કર્યા હતા. પંડયાએ ૧૭ બોલમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સાથે ૩૯ રન કરી પોતાને વહેલા બેટિંગમાં ઉતારવાનો કોહલીનો જુગાર સફળ બનાવ્યો હતો.
ભારતના ચારેય બેટ્સમેને તોફાની બેટિંગ સાથે ૧૫૦ થી વધુનો સ્ટ્રાઇક રેટ હાંસલ કર્યો હતો. છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડના ટોચના બે બોલર્સ – આર્ચર અને વૂડ નિષ્ફળ ગયા હતા. બંનેને એકપણ વિકેટ મળી ન હતી અને બંનેએ તેમના કુલ આઠ ઓવરના સ્પેલમાં ૯૬ રન – વૂડે ચાર ઓવરમાં ૫૩ અને આર્ચરે ચાર ઓવરમાં ૪૩ રન આપ્યા હતા. વૂ
ભારતે ચોગ્ગા છગ્ગાનો વરસાદ વરસાવતા કુલ ૧૧ છગ્ગા અને ૨૧ ચોગ્ગ ફટકાર્યા હતા એટલે કે ૨૨૪માંથી ૧૫૦ રન ચોગ્ગા-છગ્ગા દ્વારા આવ્યા હતા.

ઈંગ્લેન્ડની ઇનિંગમાં ભૂવનેશ્વર કુમારે પહેલી જ ઓવરમાં જેસન રોયને શૂન્યમાં વિદાય કર્યો હતો અને પછી બટલર – મલાનની 129 રનની તોફાની ભાગીદારી તોડી ભારતનો વિજયનો માર્ગ મોકળો કરી આપ્યો હતો. બટલરની વિકેટ તેણે 13 ઓવરમાં લીધી હતી અને એકંદરે ચાર ઓવરમાં ફક્ત 15 રન આપી બે વિકેટ લીધી હતી. બટલરે 34 બોલમાં 52 અને મલાને 46 બોલમાં 68 રન કર્યા હતા.

બટલરની વિદાય પછી બેન સ્ટોક્સ અને ક્રિસ જોર્ડને થોડો પ્રતિકાર કર્યો હતો, પણ 130 રને બીજી વિકેટ ગુમાવ્યા પછી ઈંગ્લેન્ડ બાકીની 7.1 ઓવર્સમાં ફક્ત 58 રન ઉમેરી શક્યું હતું અને તેણે વધુ છ વિકેટ ગુમાવી દીધી હતી. ભૂવનેશ્વરની બે ઉપરાંત શાર્દુલ ઠાકુરે 45 રનમાં ત્રણ તથા હાર્દિક પંડ્યા અને ટી. નટરાજને એક-એક વિકેટ લીધી હતી.
ભુવનેશ્વર કુમારને મેન ઓફ ધી મેચ તથા સુકાની વિરાટ કોહલીને મેન ઓફ ધી સીરીઝ જાહેર કરાયા હતા.

ચોથી ટી-20માં ભારે રસાકસી પછી ભારતનો 8 રને વિજયઃ અગાઉ ગુરૂવારે રમાયેલી ચોથી ટી-20 મેચમાં ભારત માટે સ્થિતિ મરણિયા પ્રયાસની હતી, ઈંગ્લેન્ડ ત્રીજી મેચમાં વિજય પછી 2-1થી આગળ હતું અને સીરીઝ જીવંત રાખવા માટે ભારતે જીતવું ફરજિયાત હતું. ઈંગ્લેન્ડે ટોસ જીતી ભારતને બેટિંગમાં ઉતાર્યું હતું. ભારતે 8 વિકેટે 185 રન કર્યા હતા, તેની સામે ઈંગ્લેન્ડ 8 વિકેટ ગુમાવી 177 રન સુધી જ પહોંચી શક્યું હતું.

17મી ઓવરમાં બેન સ્ટોક્સ અને પછી સુકાની ઈઓન મોર્ગન બન્ને આઉટ થઈ જતાં ભારત માટે તક સર્જાઈ હતી અને જોફ્રા આર્ચર તેમજ ક્રિસ જોર્ડન દબાણની સ્થિતિમાં ટીમને મંઝિલ સુધી પહોંચાડી શક્યા નહોતા. ઈંગ્લેન્ડ તરફથી જેસન રોયે 40 અને બેન સ્ટોક્સે 46 રન કર્યા હતા, તો ભારત તરફથી શાર્દુલ ઠાકુરે ત્રણ, સ્પિનર રાહુલ ચાહર અને હાર્દિક પંડ્યાએ બે-બે તેમજ ભૂવનેશ્વર કુમારે એક વિકેટ લીધી હતી.

ભારત તરફથી પોતાની ટી-20 કેરિયરની શરૂઆત કરી રહેલા સૂર્યકુમાર યાદવે ધમાકેદાર અડધી સદી (31 બોલમાં ત્રણ છગ્ગા, ચાર ચોગ્ગા સાથે કુલ 57) તથા શ્રેયસ ઐયરે 18 બોલમાં 37 રન કર્યા હતા, તો ઈંગ્લેન્ડ તરફથી જોફ્રા આર્ચરે ચાર વિકેટ ઝડપી હતી.

ત્રીજી ટી-20માં ઈંગ્લેન્ડનું વર્ચસ્વ, 8 વિકેટે વિજયઃ મંગળવારે (16 માર્ચ) રમાયેલી ત્રીજી ટી-20માં ઈંગ્લેન્ડે 8 વિકેટે ધમાકેદાર વિજય મેળવ્યો હતો. ઈંગ્લેન્ડે ટોસ જીતી ભારતને બેટિંગમાં ઉતાર્યું હતું અને એકમાત્ર સુકાની કોહલીના અણનમ 77 સિવાય કોઈ બેટ્સમેન કઈં કરી શક્યો નહોતો. ભારતે 6 વિકેટે 156 રન કર્યા હતા અને ઈંગ્લેન્ડ તરફથી જોર્ડને બે તથા વુડે ત્રણ વિકેટ લીધી હતી. જવાબમાં ઈંગ્લેન્ડે 18.2 ઓવરમાં ફક્ત બે વિકેટે 158 રન કર્યા હતા. જોસ બટલરે અણનમ 83 અને જોની બેરસ્ટોએ અણનમ 40 કર્યા હતા, તો ભારતીય બોલર્સમાં ફક્ત યુઝવેન્દ્ર ચહલ તથા વોશિંગ્ટન સુંદરને એક-એક વિકેટ મળી હતી.