યુકે હેલ્થ સિક્યોરિટી એજન્સીના નવા અહેવાલ મુજબ બૂસ્ટર જૅબ્સની અસર નવા સ્ટ્રેઇન સામે દસ અઠવાડિયામાં ક્ષીણ થવાનું શરૂ થાય છે. જેથી લોકોને આખરે ચોથા શૉટની જરૂર પડે તેવી સંભાવના વધી જાય છે.
ત્રીજી રસીની રોગપ્રતિકારક શક્તિ ડેલ્ટા કરતાં ઓમિક્રોન સામે વધુ ઝડપથી બંધ થાય છે. બૂસ્ટર ડોઝ પછીના દસ અઠવાડિયામાં રસીની અસર લગભગ 15થી 25 ટકા ઘટે છે. રક્ષણમાં આ ઘટાડો માત્ર લક્ષણોવાળા હળવા કેસો સામે જ જોવા મળ્યો છે. જો કે ગંભીર રોગ સામેનું રક્ષણ નોંધપાત્ર રીતે વધુ મજબૂત હોવાની સંભાવના છે. હોસ્પિટલમાં દાખલ થવા સામે રસીની અસરકારકતાનું પૃથ્થકરણ કરવા માટે જોઇતા ઓમિક્રોનના ગંભીર કેસો હજુ સુધી અપૂરતા છે.
અહેવાલ મુજબ 20 ડિસેમ્બર સુધીમાં, પુષ્ટિ થયેલ ઓમિક્રોન ધરાવતા 132 વ્યક્તિઓને ઇમરજન્સી વિભાગોમાં દાખલ કરાયા હતા. જેમાં દાખલ થયેલા 40 ટકાથી વધુ લંડનમાં હતા. તેઓ પૈકી 17 લોકોને બૂસ્ટર રસી અને 74 લોકોને બે ડોઝ અપાયા હતા. જ્યારે 27 લોકોએ એક પણ રસીનો ડોઝ લીધો ન હતો. છ લોકોની રસીકરણની સ્થિતિ અજાણ હતી, અને આઠને સિંગલ ડોઝ મળ્યો હતો.