પ્રસ્તુત તસવીરમાં પહેલી હરોળમાં ડાબેથી પ્રોફેસર સર નિલેશ સામાણી, પ્રોફેસર કિરણ પટેલ, પ્રોફેસર સબુ પદ્મદાસ, ડૉ. ચંદ નાગપૌલ, બીજી હરોળમાં સી.બી.ઇ., ડૉ. કૈલાસ ચંદ, ડો. યુસુફ હમીદ, પોપી જમાન, ઓ.બી.ઇ., ત્રીજી હરોળમાં ડાબેથી, બાર્ની ચૌધરી (કોલમીસ્ટ, ઇસ્ટર્ન આઇ); શૈલેષ સોલંકી (એશિયન મીડિયા ગ્રુપના એક્ઝિક્યુટિવ એડિટર), કલ્પેશ સોલંકી (એશિયન મીડિયા ગ્રુપના ગ્રુપ મેનેજીંગ એડિટર)
બાર્ની ચૌધરી
કોવિડ-19થી પીડાતા લોકોની સારવાર કરી રહેલા હેલ્થ સેક્ટરના ફ્રન્ટલાઈન એશિયન અને બ્લેક કર્મચારીઓ સામેના જોખમનું યોગ્ય મૂલ્યાંકન કરવા બ્રિટનના અગ્રણી ડોકટરોએ NHSના મેનેજર્સને વિનંતી કરી હતી. વાઈરસના ચેપના જોખમોનું પૂરતું મૂલ્યાંકન કરવામાં આવતું નથી અને તેથી વંશીય લઘુમતીના સભ્યો જોખમનો સમાનો કરી રહ્યા છે તેવો દાવો તબીબી નિષ્ણાતો, વિદ્વાનો અને કોમ્યુનિટી વર્કર્સે “ગરવી ગુજરાત” દ્વારા યોજાયેલા વિશિષ્ટ વર્ચ્યુઅલ રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં કર્યો હતો. નિષ્ણાત પેનલની ભલામણો હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકને મોકલવામાં આવશે, જેથી વાઈરસથી પીડાતા લોકોના સંપર્કમાં આવતા BAME કી વર્કર્સની સુરક્ષામાં સુધારો લાવી શકાય.
કોરોનાવાઈરસ રાઉન્ડટેબલ ચર્ચામાં BAME સમુદાયો પર રોગચાળાના પ્રભાવ અંગે ધ્યાન કેન્દ્રિત કરાયું હતું. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં BAME સમુદાયોમાં વધુ સંખ્યામાં ચેપ અને મૃત્યુ પાછળના કારણોને શોધી કાઢવા માટે જાણીતા ચિકિત્સકો, શિક્ષણવિદો અને આરોગ્ય નિષ્ણાતો એક પ્લેટફોર્મ ઉપર આવ્યા હતા અને વધુ ચેપ તથા મૃત્યુનો દર ઘટાડવા માટે સમુદાય અને પોલિસી મેકર્સને વ્યવહારિક ભલામણો કરી હતી. આ કોન્ફરન્સના મોડરેટર્સ તરીકે ‘ઇસ્ટર્ન આઇ’ના કોલમિસ્ટ અને બીબીસીના ભૂતપૂર્વ પત્રકાર પ્રોફેસર બાર્ની ચૌધરીએ સેવા આપી હતી.
બ્રિટિશ મેડિકલ એસોસિએશનના ચેરમેન ડો. ચાંદ નાગપૌલે જણાવ્યું હતું કે “હું આ અઠવાડિયે બધા ડોકટરોને લખીને જણાવવાનો છું કે તેમની સાથે અન્યાયી વર્તની કરવામાં આવે છે એવું લાગે તો તેઓ પોતાની સલામતીને નજરઅંદાજ કરે નહીં. અને બીજું, તેમને એ પણ યાદ કરાવીશ કે તેઓ બધા રીસ્ક એસેસમેન્ટને પાત્ર છે. તેથી, તમે 60 વર્ષ કે વધુ વયના એશિયન ડૉક્ટર હો અને તમને ડાયાબિટીઝ અને હાયપરટેન્શન હોય, તો તેવા ડૉક્ટરના જોખમનું મૂલ્યાંકન કરવું જોઇએ અને તેમને સુરક્ષિત રાખવાની જરૂર છે. તેમને એ અસર કરશે નહિં તેમ માનવુ પૂરતુ નથી.
BAME સ્ટાફને એસેસમેન્ટમાં જોખમ જણાય તો તેમને NHSમાં દર્દી સિવાયના અને નોન-કોવિડ કાર્યમાં તૈનાત કરવા જોઇએ.’’બ્રિટિશ મેડિકલ એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ ડો. કૈલાસ ચાંદે જણાવ્યું હતું કે “રીસ્ક એસેસમેન્ટ વિવિધ સ્થળોએ વિવિધ રીતે કરવામાં આવી રહ્યું છે પરંતુ તેનું કોઈ સંકલન નથી. રીસ્ક એસેસમેન્ટ માટે પગલાં લેવાની જરૂર છે. ખૂબ ચિંતાજનક બાબત એ છે કે આરોગ્ય વિભાગ કંઈક જુદું કહી રહ્યો છે તો એનએચએસ ઇંગ્લેન્ડ કંઇક અલગ કહી રહ્યું છે.”
ગયા અઠવાડિયે ચેનલ ફોર દ્વારા 47૦થી વધુ આરોગ્ય કર્મચારીઓના સર્વેમાં બહાર આવ્યું હતું કે 73 ટકા લોકોના જોખમનું મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી અથવા તો તે અપૂરતું હતું. 67 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમના NHS ટ્રસ્ટે તેમને સલામત લાગે તે માટે પૂરતા પગલા લીધાં નથી. 61 ટકા લોકોને એમ લાગે છે કે તેઓ પોતાના શ્વેત સાથીદારો જેટલા વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણો (PPE) મેળવી શકતા નથી, જ્યારે 62 ટકા લોકોને લાગ્યું હતું કે ફ્રન્ટલાઈન પર કામ કરવા માટે તેમના પર દબાણ કરાયું હતું.
ડો. નાગપૌલે જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે BAME લોકોની સ્થિતિ જોખમકારક પરિબળ માનવામાં આવે છે તેથી વાઈરસના સંપર્કમાં આવતા તમામ કામદારોના જોખમનું મૂલ્યાંકન થવું જોઈએ. ડૉ. ચાંદે કહ્યું હતું કે, ‘NHSમાંની ‘નગ્ન અસમાનતાઓ’ તપાસવાનો સમય આવી ગયો છે. અમે જાણીએ છીએ કે NHSમાં ભેદભાવ અને રેસિઝમ અસ્તિત્વમાં છે. ભગવાન જાણે છે કે કેટલી ઇન્કવાયરી કરવામાં આવી છે.

પરંતુ રચનાત્મક રીતે તપાસ કરવા માટે તેમાં કો મહત્વની કામગીરી કરાઈ નથી. રેસિઝમ તેમને કેમ અસર કરે છે? આપણે તેના વિશે તપાસ કરવાની જરૂર છે અને આપણે તેના વિશે શું કરી શકીએ છીએ તે જાણવાની જરૂર છે.”
આ કોન્ફરન્સમાં કરાયેલી અન્ય દરખાસ્તોમાં લૉકડાઉન હળવું થાય પછી એમ્પ્લોયર કામના સ્થળે યોગ્ય સલામતી ગોઠવે, વધુ સારા PPE આપે તેમજ કામદારોની સલામતી માટેના પગલાંની ભલામણોનો સમાવેશ કરાયો હતો. આ પેનલે ઇચ્છા વ્યક્ત કરી હતી કે અધિકારીઓ વધુ અસરકારક રીતે ડેટા એકત્રિત કરે જેથી આરોગ્યની જરૂરિયાતોની અસમાનતા બહાર આવે.
સિટી મેન્ટલ હેલ્થ એલાયન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અને પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના બોર્ડમાં બે ટર્મ માટે સેવા આપનાર પોપી જમાને જણાવ્યું હતું કે, “હું 23 વર્ષથી આ કાર્ય કરી રહી છું અને રેસ ઇક્વાલીટીનો ડેટા વધુ મજબૂત બનાવવો જરૂરી છે. પહેલા જે તિરાડો હતી તે હવે ખાઇ થઇ ગઇ છે અને આ રોગચાળાએ તે બરાબર દર્શાવ્યુ છે. તેથી, મને લાગે છે કે PHE, NHS અને સરકારી સંસ્થાઓ કે જે આના પર કામ કરી રહી છે, તેમણે આપણા સમુદાયોમાં વિશ્વાસનો વધારો થાય તેમ કરવાની જરૂર છે.”
યુનિવર્સિટી હૉસ્પિટલ્સ કોવેન્ટ્રી એન્ડ વૉરીકશાયર NHS ટ્રસ્ટના ચીફ મેડિકલ ઑફિસર, પ્રોફેસર કિરણ પટેલે જણાવ્યું હતું કે ‘’કોવિડ પછી BAME સમુદાયોને અસર કરતી આરોગ્ય અસમાનતાઓને પહોંચી વળવા માટે ‘ડ્રાઇવિંગ સિદ્ધાંત’ હોવો જોઈએ. આપણા સમુદાયને આપણે તાકીદની સંભાળ આપવાની છે. આપણે ખરેખર આરોગ્યની અસમાનતાઓ દૂર કરવી હશે તો આપણે ઉપર જવા માટે કામ કરવું પડશે. જેથી આપણે અત્યારે જ્યાં છીએ તે ડાયાબિટીઝ અને સ્થુળતા તરફ નહીં આવીએ. લોકડાઉનના પગલાં હળવી થઇ રહ્યા છે ત્યારે દક્ષિણ એશિયન સમુદાયે હંમેશાં પોતાને બચાવવા માટે ધ્યાન આપવાની જરૂર છે.’’
પ્રોફેસર પટેલે જણાવ્યું હતું કે, ‘’લોકડાઉન સરળ થવાનુ હોવાથી,આપણે સમુદાયોને શિક્ષિત કરવાની અતિ આવશ્યકતા છે. આપણે તેમને ભારપૂર્વક સલાહ આપવાની જરૂર છે કે ચેપ નિવારણ અને નિયંત્રણના પગલા અમુક સમયગાળા સુધી ચાલુ રાખવા પડશે. આપણે એ સુનિશ્ચિત કરવાની જરૂર છે કે લોકો પોતાનું રક્ષણ કરે અને એક બીજાનુ પણ.”
સાઉધમ્પ્ટન યુનિવર્સિટીના ડેમોગ્રાફી એન્ડ ગ્લોબલ હેલ્થના પ્રો. સાબુ પદ્મદાસે સમુદાયોને શિક્ષિત કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે ‘’હું ફક્ત BAME સમુદાય પર ધ્યાન કેન્દ્રિત કરીને સ્પેશ્યલ ડીસીઝ સર્વેલન્સ સિસ્ટમની ભલામણ કરીશ. આપણે મૂળભૂત બાબતો પર પાછા જવાની જરૂર છે, કોમ્યુનિટી હેલ્થ વર્કરને સામેલ કરીશું જેઓ ફક્ત તાલીમ જ નહિં આપે પરંતુ ટ્રેસ અને ટ્રેક પણ કરશે.”
મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એઇડ ઇંગ્લેન્ડના એમ્બેસડર, પોપી જમાને રોગચાળાનું બીજું મોજું ત્રાટકવાની તૈયારી હોવાની ચેતવણી આપી છે. અમે વિશ્વભરની આપત્તિઓ વિષે જાણીએ છીએ કે આશરે 40 ટકા લોકોના માનસિક સ્વાસ્થ્યમાં ઘટાડો થશે. શું આપણે સ્થિતિ ખૂબ જ ગંભીર બનવાની પ્રતિક્ષા કરીએ છીએ? અને કોણ ફરીથી સૌથી વધુ પ્રભાવિત થશે? હું ડેટા જોયા વિના કલ્પના કરું છું કે BAME  લોકો ખૂબ જ, અતિ ખરાબ રીતે અસર પામશે. આજથી આગામી છ માસમાં બીજો મોટો રોગચાળો, માનસિક આરોગ્ય સંકટ સ્વરૂપે આવશે.’’