પ્રતિકાત્મક તસવીર (istockphoto)

એક શ્વેત પોલીસ અધિકારીએ રહસ્યમય સંજોગોમાં ગોળીબાર કરી એક આફ્રિકન-અમેરિકનનું મોત નિપજાવતાં નોર્થ કેરોલિનાના ફેયેટ્ટવિલેમાં દેખાવો શરૂ થઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, નિશસ્ત્ર પુરુષ પર ગોળીબાર કરતી વખતે પોલીસ અધિકારી તેમની ફરજ પર નહોતા. આ પુરુષના સંબંધીઓએ ગુરુવારે દેખાવો કર્યા હતા.

જાણીતા માનવાધિકાર વકીલ બેન્જામિન ક્રમ્પ અને જેસન વોકરના પરિવારજનોએ શહેરમાં ‘રેલ ફોર જસ્ટિસ’નું આયોજન કર્યું હતું.

આ કેસમાં રહેવાસીઓના નાના જૂથોએ ફેયેટ્ટવિલેમાં રેલી કાઢીને પોલીસ ઓફિસર જેફરી હેશની ધરપકડની માગણી કરતી હતી.

હેશ આ શહેરમાં 2005થી નોકરી કરે છે અને જ્યારે ગત શનિવારે (15 જાન્યુઆરી) બપોર પછી આ ગોળીબારની ઘટના બની ત્યારે તે ફરજ પર નહોતો.

37 વર્ષના અશ્વેત-પુરુષ વોકર તેના માતા-પિતાના ઘર પાસેથી પસાર થઇ રહ્યો હતો ત્યારે આ અધિકારી તેની પત્ની અને દીકરી સાથે તેમનું વાહન ચલાવી રહ્યા હતા. અને પછી તરત જ હેશે વોકર પર ગોળીબાર કર્યો હતો અને તે ત્યાં ઢળી પડ્યો હતો. પછી તેમાં વિવાદ થયો હતો.

ગોળીબારની આ ઘટનાનો એક વીડિયો ઉતારવામાં આવ્યો હતો અને ઘટના પછી તુરત જ તે ઓનલાઇન પોસ્ટ કરાયો હતો. પોલીસ અધિકારીઓએ તેના સાથી કર્મચારીઓને બોલાવીને એવી ઘટના સમજાવી હતું કે, વોકર રસ્તાની વચ્ચે આવી ગયો હતો અને તેમણે તેને બચાવવા બ્રેક મારી હતી.

હેશના જણાવ્યા અનુસાર, પછી વોકર સામેથી જ વાહન સાથે અથડાયો હતો. તેણે વિન્ડશિલ્ડ વાઇપર તોડી નાખ્યું હતું અને તેનો ઉપયોગ વિન્ડશિલ્ડ પર મારવા માટે કર્યો હતો. અને પછી તરત જ હેશે તેના પરિવારની સુરક્ષા માટે તેનું હથિયાર બહાર કાઢ્યું હતું.

પરંત સાક્ષીઓ કહે છે કે, પોલીસ અધિકારીએ ઊભા રહેતા અગાઉ આ પદયાત્રીને ટક્કર મારી હતી. સાક્ષી એલિઝાબેથ રીક્સે એબીસી સ્ટેશનને જણાવ્યું હતું કે, મેં તેમને બ્રેક મારતા જોયા હતા, વાહન સંપૂર્ણ ઊભું રહી ગયું હતું અને પછી જતા રહ્યા હતા. મેં તેમને જેસનને ટક્કર મારતા જોયા હતા, અને પછી તેનું શરીર વિન્ડશિલ્ડને અથડાયું હતું. રીક્સે વધુમાં જણાવ્યું હતું કે, પછી તેણે ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો.

પોલીસના જણાવ્યા અનુસાર, હેશની કાળા કલરની પિકઅપ ટ્રકમાં નુકસાનીની કોઇ નિશાની જોવા મળી નથી અને વોકરના શરીર પર પણ ગોળી સિવાય અન્ય કોઇ નિશાનીઓ જોવા મળી નથી.

આ અધિકારીને એડમિનિસ્ટ્રેટિવ રજા પર ઉતારી દેવાયો છે, પરંતુ તેમની ધરપકડ કરવામાં આવી નથી અને ગુનાનો આરોપ પણ મુકવામાં આવ્યો નથી. આ હત્યામાં રાજ્યના અધિકારીઓએ તપાસ શરૂ કરી છે.

આ ઘટના અંગે ક્રમ્પે જણાવ્યું હતું કે, પરિવારજનો અને ફેયેટ્ટવિલેના વ્યાપક સમુદાયે ફરજ પર નહીં હોવા છતાં એક ઓફિસર દ્વારા વોકર ઉપર વગર કારણે ગોળીબાર અને તેની હત્યા કેમ કરી તેના જવાબ માગ્યા છે.

અમેરિકન પોલીસ અધિકારીઓ દ્વારા દર વર્ષે સરેરાશ એક હજાર લોકોની હત્યા કરે છે, જે પીડિતોમાં આફ્રિકન અમેરિકનોની સંખ્યા વધુ હોય છે. તેમાંથી ખૂબ જ ઓછા કિસ્સામાં પોલીસ અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે છે.