પ્રતીકાત્મક તસવીર

યુકે સરકારમાં વિચારાધિન રહેલી મુસ્લિમ વિરોધી વેરની પ્રસ્તાવિત વ્યાખ્યાનો એક હિસ્સો તાજેતરમાં કેટલાક મીડિયામાં લીક થયો હોવાથી બ્રિટિશ હિન્દુ અને શીખ સમુદાયે તે અંગે તંત્રને ચેતવણી આપી હતી. આ અંગે હિન્દુ કાઉન્સિલ યુકેએ તાજેતરમાં કમ્યુનિટીઝ સેક્રેટરી સ્ટીવ રીડને પત્ર લખીને દાવો કર્યો હતો કે, આ મુસદ્દામાં માત્ર ‘ગંભીર ખામી’ જ નથી પરંતુ જો તેને ઔપચારિક રીતે સ્વીકારવામાં આવે તો તેના અનિચ્છનીય પરિણામો પણ આવી શકે છે. બીબીસી દ્વારા ગત મહિને આ અંગેના રીપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, ગત ફેબ્રુઆરીમાં સરકાર દ્વારા રચના કરાયેલા એન્ટી મુસ્લિમ હેટર્ડ-ઇસ્લામોફોબિયા અંગેના વર્કિંગ ગ્રુપે તેને સ્વીકૃત કરવા માટે એક મુસદ્દો તૈયાર કર્યો હતો જેમાં ‘ઇસ્લામોફોબિયા’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો. હિન્દુ કાઉન્સિલ યુકે દ્વારા હાઉસિંગ, કમ્યુનિટિઝ અને લોકલ ગવર્નમેન્ટ (MHCLG) મંત્રાલયના સ્ટેટ સેક્રેટરીને સંબોધીને પાઠવવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, ‘હિન્દુ, શીખ, ખ્રિસ્તી, બિનસાંપ્રદાયિક અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના હિમાયતી સંગઠનો દ્વારા રજૂ કરવામાં આવેલી એક મુખ્ય ચિંતા એ છે કે, આ વ્યાખ્યા લોકો તરીકે મુસ્લિમો પ્રત્યેની દુશ્મનાવટ અને એક સ્વીકૃત વ્યવસ્થાના ભાગરૂપે ઇસ્લામની ટીકા વચ્ચેના અંતરને દર્શાવવામાં સ્પષ્ટ રીતે નિષ્ફળ જાય છે.’
હિન્દુ કાઉન્સિલ અને અન્ય ઘણા સંગઠનોએ એ બાબતને મહત્ત્વ આપ્યું હતું કે, આ પ્રકારની વ્યાખ્યા કોર્ટ દ્વારા નહીં પરંતુ યુનિવર્સિટીઓ, લોકલ કાઉન્સિલ, NHS, એમ્પ્લોયર્સ અને સત્તાતંત્રમાં સંસ્થાકીય નીતિઓ દ્વારા લાગુ કરવામાં આવે છે, જ્યાં પ્રતિબંધની મર્યાદા ઘણીવાર કાયદાની જરૂરિયાત કરતા ઘણી ઓછી હોય છે.

LEAVE A REPLY