વિવાદાસ્પદ નિવેદનો આપીને હંમેશા ચર્ચામાં રહેતી અભિનેત્રી કંગના રનૌત એક મુશ્કેલીમાં ફસાઇ છે. મુંબઈમાં બાંદરા કોર્ટે કંગના સામે એક કેસમાં ફરિયાદ દાખલ કરવાના આદેશ કર્યો છે. કોર્ટમાં મુન્ના વરાલી અને સાહિલ અશરફ સૈયદ નામના બે નાગરિકોએ આ અરજી દાખલ કરી હતી. અરજી અંગે કોર્ટે જણાવ્યું છે કે, કંગના સતત મુંબઇની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને બદનામ કરવાનો પ્રયાસ કરે છે. સોશિયલ મીડિયા સહિતના માધ્યમોમાં તે ઇન્ડસ્ટ્રી વિરુદ્ધ નિવેદનો આપે છે. તે બોલિવૂડમાં સતત નેપોટિઝમ અને ફેવરેટિઝમના મુદ્દે વિવાદ ઊભો કરે છે.
અરજીમાં આરોપ મુક્યો છે કે કંગનાએ બોલિવૂડમાં હિન્દુ અને મુસ્લિમ કલાકારોની વચ્ચે ગંભીર ભેદભાવ ઊભો કર્યો છે. તેની સતત આપત્તિજનક ટ્વિટથી ન માત્ર ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે પરંતુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકો તેનાથી નારાજ છે.
કહેવાય છે કે, આ કેસમાં બાંદરા પોલીસ સ્ટેશને કંગના વિરૂદ્ધ અરજી લેવાની મનાઈ કરી હતી. પછી અરજીકર્તાઓએ આ મુદ્દે તપાસ માટે કોર્ટમાં દાદ માગી હતી. અંતે કોર્ટે કંગનાની સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો છે.