અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને રશિયાના ક્રૂડ ઓઇલની આયાત પર પ્રતિબંધની જાહેરાત કરી છે. ક્રૂડ ઓઇલની આયાત પરના આ નવા પ્રતિબંધથી રશિયાના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ધારણા છે. અમેરિકા સામાન્ય રીતે રશિયા પાસેથી દૈનિક 1 લાખ બેરલ ક્રૂડ ઓઇલની આયાત કરે છે, જે રશિયાની ક્રૂડ ઓઇલની નિકાસના આશરે 5 ટકા છે. ગયા વર્ષે અમેરિકાની ઓઇલ અને પેટ્રોલિયમ પેદાશોની કુલમાંથી આશરે આઠ ટકા આયાત રશિયામાંથી કરવામાં આવી હતી.

અગાઉ મંગળવારે રશિયાએ ચેતવણી આપી હતી કે જો તેને ગેસ અને ક્રૂડ ઓઈલનું વેચાણ કરવા દેવામાં નહીં આવે તો દુનિયામાં એક બેરલ ક્રૂડ ઓઈલનો ભાવ 300 ડોલર સુધી પહોંચી જશે અને તે રશિયા-જર્મનીની મુખ્ય ગેસ પાઈપલાઈનને પણ બંધ કરી દેશે, જેના કારણે યુરોપના દેશો માટે ભયંકર અછત સર્જાશે.

રશિયાથી આયાત બંધ કરવાની યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર પુતિને અમેરિકા અને પશ્ચિમી દેશોને અપીલ બાદ અમેરિકાએ આ મોટી હિલચાલ કરી છે. રશિયાના નાણાકીય ક્ષેત્ર પર આકરા નિયંત્રણો મૂકવામાં આવ્યા હોવા છતાં ઊર્જાની નિકાસથી રશિયાને સતત મોટો નાણાપ્રવાહ મળી રહ્યો છે.

વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે અમેરિકા યુરોપિયન દેશો સાથે સંકલન કરીને રશિયા સામે આ કાર્યવાહી કરી રહ્યું છે. અમેરિકાની તુલનાએ પશ્ચિમના દેશો તેના એનર્જી પુરવઠા માટે રશિયા પર વધુ આધાર રાખે છે.

બાઇડને અગાઉ ઊર્જા ક્ષેત્રમાં રશિયા સામે પ્રતિબંધ મૂક્યા ન હતા. અમેરિકા અને યુરોપના દેશો રશિયાના ક્રૂડ ઓઈલ પર પ્રતિબંધ મુકવાનું વિચારી રહ્યા છે તેવું બહાર આવ્યા બાદ ક્રૂડ ઓઈલનો ભાવ 2008 પછી સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયો હતો. યુદ્ધની અગાઉ એક બેરલ ક્રૂડ ઓઈલનો ભાવ 94 ડોલર હતો જે મંગળવારે આશરે 132 ડોલર સુધી ગયો હતો.

અમેરિકામાં પેટ્રોલના ભાવ એક સપ્તાહમાં ગેલન દીઠ 45 સેન્ટ ઉછળીને સોમવારે 4.06 ડોલર થયા હતા. રશિયાની સરકારમાં કુલ આવકમાં ઓઇલ અને ગેસની નિકાસથી થતી આવક આશરે ત્રીજા ભાગની છે.