ભારતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન અને સાનિયા ચંડોકના લગ્નની તારીખ નક્કી થઇ ગઇ છે. ગત વર્ષે ઓગસ્ટમાં તેમની ખાનગી સમારોહમાં સગાઈ થઇ હતી. અર્જુન પણ ક્રિકેટર છે અને તે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની નવી સીઝન માટે લખનઉ સુપર જાયન્ટ્સ (LSG) ટીમનો સભ્ય છે. ગત વર્ષે આઇપીએલની થયેલી હરાજી પહેલા LSG દ્વારા તેને મુંબઈ ઇન્ડિયન્સ (MI) પાસેથી ખરીદવામાં આવ્યો હતો.
મીડિયા રીપોર્ટસ મુજબ, 26 વર્ષીય અર્જુનની લગ્નની વિધિની શરૂઆત 3 માર્ચ, 2026ના રોજ મુંબઈમાં શરૂ થશે અને લગ્ન 5 માર્ચે યોજાશે. લગ્ન સમારોહમાં નજીકના મિત્રો અને પરિવારજનો હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે તેંડુલકર પરિવારે ઘણા દિવસો સુધી અર્જુનની સગાઈ ગુપ્ત રાખી હતી. સચિને સોશિયલ મીડિયા પર સગાઈ થઇ હોવાનું સ્વીકાર્યું હતું. જ્યારે એક ચાહકે સચિનને પૂછ્યું હતું કે, શું અર્જુનની ખરેખર સગાઈ થઇ છે, ત્યારે સચિને હકારાત્મક જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે, ‘અમે બધા તેની નવી જીવન યાત્રા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ.’
સાનિયા ચંડોક જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી છે. તેમનો પરિવાર ગ્રેવિસ ગ્રુપનું સંચાલન કરે છે, જે ભારતમાં ફૂડ અને હોસ્પિટાલિટી ક્ષેત્રે કાર્યરત છે. ઘાઈ પરિવાર ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ અને લોકપ્રિય આઈસ્ક્રીમ બ્રાન્ડ બ્રુકલિન ક્રીમરીની માલિકી ધરાવે છે. ગ્રેવિસ ગ્રુપ ભારતમાં બાસ્કિન-રોબિન્સનું પણ સંચાલન કરે છે. સાનિયા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સની બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રીધારક છે. સાનિયા મિસ્ટર પૉઝ પેટ સ્પા એન્ડ સ્ટોર LLPમાં ડાયરેક્ટર અને ભાગીદાર છે.

LEAVE A REPLY