ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગત સપ્તાહે બે દિવસની દુબઈની મુલાકાતે ગયા હતા. તેમણે 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ 2022 અંતર્ગત દુબઇની દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે આયોજીત રોડ-શો દરમ્યાન બિઝનેસ કમ્યુનિટીને સંબોધન કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગના ત્રિવેણી સંગમથી ગુજરાત વિશ્વના મૂડીરોકાણકારો માટે પસંદગીનું સ્થળ બન્યું છે. લોજિસ્ટિક્સની સુવિધાઓ, સક્રિય નીતિ નિર્માણ અને રોકાણકારો માટે સાનુકૂળ વાતવરણને પરિણામે 2021માં સમગ્ર ભારતમાં સૌથી વધારે વિદેશી રોકાણ એફ.ડી.આઇ. ગુજરાતે મેળવ્યું છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાત યુએઈ માટે ભારતનું પ્રવેશદ્વાર છે અને ભારતમાં UAEનું પ્રવેશદ્વાર બનવા માટે એકદમ તૈયાર છે. UAEમાં રહેતા 35 લાખ ભારતીયો બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા અને તેમના વિકાસ માટે મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. વૈશ્વિક સ્તરે રહેતા ભારતીય સમુદાયોમાં ગુજરાતીઓની સંખ્યા સૌથી વધુ છે. વિશ્વના કોઇપણ ખૂણે વસતા ગુજરાતીઓની પ્રગતિ અને જે-તે સ્થળના વિકાસમાં તેમના યોગદાનથી સમગ્ર ગુજરાત ગૌરવ અનુભવે છે. ભારત અને UAEનો સમૃદ્ધ ઇતિહાસ છે અને બન્નેના સંબંધો સદીઓ જૂના છે. આ સંબંધ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને હિઝ હાઇનેસ ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સાથેની તેમની મિત્રતાથી વધુ મજબૂત બન્યો છે.
તેમણે હિઝ હાઇનેસ ક્રાઉન પ્રિન્સે અબુધાબીમાં બીએપીસ (BAPS) મંદિર અને સાંસ્કૃતિક કેન્દ્રનું નિર્માણ કરવા માટે જમીન દાનમાં આપી છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ પહેલ ભારત-UAE.ના મજબૂત સંબંધ અને મિત્રતાનું આગવું ઉદાહરણ છે.
મુખ્ય પ્રધાને આ રોડ-શોમાં ઉપસ્થિત દુબઇના અગ્રણી બિઝનેસમેન-રોકાણકારોને ગુજરાતની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022માં જોડાવાનું આમંત્રણ આપ્યું હતું તેમજ સૌને ગુજરાત સરકારના પૂરતા સહયોગની ખાતરી પણ આપી હતી.