(Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

ભાજપે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પૈકી 7 બેઠકો માટેના ઉમેદવારોના નામની જાહેરાત રવિવારે કરી હતી. પક્ષે મોટાભાગના કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપમાં જોડાયેલા નેતાઓ ટિકિટ આપી છે. આ બેઠકો માટેની પેટા ચૂંટણી 3 નવેમ્બરે યોજાવાની છે. 10 નવેમ્બરે તેના પરિણામો જાહેર કરાશે. ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ 16 ઓક્ટોબર છે. 17 ઓક્ટોબરે ઉમેદવારી ફોર્મની ચકાસી થશે. 19 ઓક્ટોબર સુધી ફોર્મ પાછા ખેંચી શકાશે.

અબડાસા બેઠક માટે પ્રદ્યુમનસિંહ જાડેજા, ગઢડા માટે આત્મારામ પરમાર, મોરબી માટે બ્રિજેશ મેરજા, ધારી બેઠક માટે જે વી કાકડિયા, કરજણ બેઠક માટે અક્ષય પટેલ, ડાંગ બેઠક માટે વિજય પટેલ અને કપરાડા બેઠક માટે જીતુ ચૌધરીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

લિંબડી બેઠક માટે હજી ભાજપે ઉમેદવારની જાહેરાત કરી નથી, કારણકે આ બેઠક માટે તીવ્ર હરીફાઇને કારણે નામ નક્કી થઈ શક્યું નથી. આ બેઠક પરથી રાજીનામુ આપનાર કોંગ્રેસના ધારાસભ્ય સોમા પટેલે પણ ચૂંટણી લડવાની ઈચ્છા દર્શાવી છે. કિરિટસિંહ રાણા આ બેઠક માટે ભાજપની પસંદગીના ઉમેદવાર ગણાતા હતા.
તાજેતરમાં રાજ્યસભાની ચૂંટણી યોજાઈ તે પહેલા કોગ્રેસમાં મોટા પાયે ઉથલપાથલ થઈ હતી અને કોંગ્રેસમાંથી ચૂંટાયેલા આઠ ધારાસભ્યોએ રાજીનામુ આપ્યા હતું..આ પૈકી ડાંગ અને ગઢડાની બેઠકને બાદ કરતા અન્ય પાંચ બેઠકો પર ભાજપે કોંગ્ર્રેસમાંથી રાજીનામુ આપનારાઓને જ ટિકિટ આપી છે.