આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં અમદાવાદમાં 11, વડોદરામાં બે, સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક કેસ નોંધાયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 144 થઈ ગયો છે. નોંધનીય છે કે વડોદરામાં કોરોનાના કારણે વધુ એકનું મોત થયું છે. વડોદરા જિલ્લાના કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલના જણાવ્યા અનુસાર શહેરના 62 વર્ષીય કોરોનાગ્રસ્ત મહિલાનું આજે સવારે સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નિપજ્યું છે.

વડોદરાના મહિલાનું મૃત્યુ થતા જ ગુજરાતમાં કોરોના વાયરસના કારણે મૃત્યુ પામેલા લોકોનો આંકડો 12 થઈ ગયો છે. વડોદરામાં મૃત્યુ પામેલા મહિલા શ્રીલંકાના પ્રવાસ પરથી પરત ફર્યા બાદ 18 માર્ચના રોજ તેઓ દવાખાનામાં દાખલ થયા હતા. ત્યારબાદ તેમનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ નિર્ધારિત પ્રોટોકોલ પ્રમાણે તેમની સઘન સારવાર કરવામાં આવી હતી.દેશભરમાં જમાતીઓની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ કોરોનાગ્રસ્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાંથી નોંધાયેલા 11 કેસ પૈકી એક કેસ આંબાવાડી વિસ્તારનો છે જ્યારે બે કેસ કાલુપુરના પઠાણવાડ અને ભંડેરીપોળમાંથી સામે આવ્યો છે. આ ઉપરાંત બાકીના આઠ કેસ દરિયાપુરમાંથી સામે આવ્યા છે. જેમાંથી એક જીવણપોળ અને બાકીના સાત કંકોડીવાળી પોળમાંથી નોંધાયા છે. તેથી કોરોનાની ગંભીરતા જોઇને હવે લઘુમતિ સમાજનાં નાગરિકો પણ ચિંતિત બન્યા છે અને મ્યુનિ.તંત્રને સહકાર આપતાં થયા છે.છેલ્લા 24 કલાક દરમિયાન એક કેસ મહેસાણામાંથી નોંધાયો છે.

આ પોઝિટિવ વ્યક્તિ મૂળ કડી તાલુકાનો છે અને હાલમાં અમદાવાદના જમાલપુરમાં રહે છે તેથી કડીના સરનામાના કારણે મહેસાણા જિલ્લામાં ગણવામા આવ્યો છે. આ ઉપરાંત દાદરા નગર હવેલી સેલવાસમાંથી કોરોનાનો પ્રથમ કેસ પોઝિટિવ આવ્યો છે. દર્દીને તાત્કાલિક ધોરણે મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સેલવાસના કલેક્ટરે નરોલી તથા ત્રણ કિલોમીટરમાં આવેલા આસપાસના ગામના લોકોને તાત્કાલિક ધોરણે હોમ ક્વોરન્ટાઇનમાં રાખવાનો નિર્ણય લીધો છે.