
યુકે હોમ ઓફિસની ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ ટીમોએ દેશભરમાં ડિલિવરી કંપનીઓ માટે ગેરકાયદેસર રીતે કામ કરતા શંકાસ્પદ ટુ-વ્હીલર સવારો પર 20 થી 27 જુલાઈ દરમિયાન ઓપરેશન ઇક્વલાઇઝ હાથ ધરી ભારતીયો સહિત સેંકડો લોકોની ધરપકડ કરી છે.
આ ધરપકડોની સાથે, કાર વોશ, રેસ્ટોરન્ટ અને રિટેલ આઉટલેટ્સ જેવા 51 બિઝનેસીસને ગેરકાયદેસર કામદારોને રોજગાર આપવા બદલ દંડ માટે નોટિસ જારી કરવામાં આવી હતી. પોલીસે કાર્યવાહી દરમિયાન 58 ઇ-બાઇક, £8,000 રોકડા અને £460,000 મૂલ્યની ગેરકાયદેસર સિગારેટ સહિત 71 વાહનો પણ જપ્ત કર્યા હતા.
આ ઓપરેશન દરમિયાન, 1,780 વ્યક્તિઓને રોકવામાં આવ્યા હતા અને યોગ્ય દસ્તાવેજો વગર નોકરી કરતા 280 માઇગ્રન્ટ્સ તેમજ એસાયલમ માંગનારા લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
વેસ્ટ લંડનના હિલિંગ્ડનમાં એક દરોડામાં, સાત ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં પાંચ લોકોને ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. આ ઓપરેશન બાદ 53 વ્યક્તિઓના એસાયલમ સહાયની સમીક્ષા કરવામાં આવી રહી છે અને તેમના સસ્પેન્શન અથવા બેનીફીટ્સ પાછા ખેંચી શકાય છે.
હોમ ઓફિસે ચેતવણી આપી હતી કે ફૂડ ડિલિવરીમાં ઇમિગ્રેશન સિસ્ટમનો દુરુપયોગ કરનારાઓ તેમની સહાય ગુમાવી શકે છે અને યુકેમાંથી કાઢી મૂકવામાં આવી શકે છે.
હોમ ઓફિસને £100 મિલિયન સરહદ સુરક્ષા રોકાણમાંથી £5 મિલિયનનું ભંડોળ વધારવામાં આવશે જેથી એન્ફોર્સમેન્ટ દરોડાને વધુ તીવ્ર બનાવી શકાય અને ગુપ્ત માહિતી એકત્રિત કરવામાં સુધારો કરી શકાય.
આ પગલાં ઇમિગ્રેશન અમલીકરણને મજબૂત બનાવવાના વ્યાપક સરકારી પ્રયાસોનો એક ભાગ છે.
સુરક્ષાના ડરથી લંડનના લક્ઝરી ફ્લેટ્સમાં પ્રવેશવા પર ફૂડ ડિલિવરી રાઇડર્સ પર પ્રતિબંધ
વિઝા દસ્તાવેજો નહિં ધરાવતા કામદારો અને નજીકની હોટલોમાં રહેતા એસાયલમ સીકર્સ લક્ઝરી ફ્લેટ્સમાં રહેતા લોકો માટે જોખમી હોવાના દાવાઓને પગલે ઇસ્ટ લંડનના કેનેરી રિવરસાઇડ કોમ્પ્લેક્સમાં પ્રવેશવા માટે ડિલિવરૂ, જસ્ટ ઈટ અને ઉબેર ઈટ્સના ફૂડ કુરિયર્સ – ડ્રાઇવર્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
એપાર્ટમેન્ટ્સનું સંચાલન કરતી પાર્કગેટ એસ્પેને પોતાના રહેવાસીઓને જણાવ્યું હતું કે કેનેરી વ્હાર્ફમાં બ્રિટાનિયા ઇન્ટરનેશનલ હોટલની બહાર વિરોધ પ્રદર્શનો પછી ચિંતાઓને પગલે આ પગલું લેવામાં આવ્યું છે. સુરક્ષાને કારણે ડીલીવરી રાઇડર્સને હવે વ્યક્તિગત ફ્લેટમાં ડિલિવરી કરવા માટે આવવાની મંજૂરી આપવામાં આવશે નહિં. જોકે ઓકાડો અને ટેસ્કો જેવી ગ્રોસરી ડીલીવરીને મંજૂરી છે.
કંપનીએ દાવો કર્યો હતો કે કેટલાક રાઇડર્સ દસ્તાવેજો વગરના હતા અથવા “સબલેટ” એકાઉન્ટ્સનો ઉપયોગ કરી રહ્યા હતા. તેઓ ભૂતકાળમાં અસામાજિક વર્તણૂક સાથે સંકળાયેલા હતા. જેમાં ફ્લેટના દાદર પર પેશાબ કરવો, મૌખિક દુર્વ્યવહાર કરતા હતા.
ડિલિવરૂ, જસ્ટ ઈટ અને ઉબર ઈટ્સે બધા ફૂડ કુરિયર્સને દસ્તાવેજ નહિં ધરાવતા હોવાના દાવાઓને નકારી કાઢ્યા હતા અને કહ્યું હતું કે તેમની પાસે કડક આઇડી ચેક, ઓડિટ ટ્રેલ્સ અને ગેરકાયદેસર કામ કરનારા પરત્વે જીરો ટોલરન્સ નીતિઓ છે.
કેટલાક રહેવાસીઓએ “મનસ્વી પ્રતિબંધ” ની ટીકા કરી હતી.
