ભારતીય કલા અને સંસ્કૃતિ માટે યુકેના મુખ્ય કેન્દ્ર, ભવનમાં, 7 ઓગસ્ટના રોજ ભારતના 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી હૃદયસ્પર્શી ભાષણો, સાંસ્કૃતિક પ્રદર્શન અને દેશભક્તિના ગૌરવ સાથે કરવામાં આવી હતી. આ ઉજવણી માટે મહાનુભાવો, સમુદાયના નેતાઓ અને શુભેચ્છકો ભવન ખાતે એકઠા થયા હતા, જેમાં યુકે અને ભારતીય ડાયસ્પોરા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવતા ભારતના વારસાની ઉજવણી કરવામાં આવી હતી.

લંડનમાં ભારતીય હાઈ કમિશનના મિનિસ્ટર ફોર કો-ઓર્ડીનેશન શ્રી દીપક ચૌધરીએ ધ ભવનને યુકેમાં ભારતનું “કાયમી સાંસ્કૃતિક દૂતાવાસ” ગણાવ્યું હતું જે યુકેમાં ઉછરતી પેઢીઓને તેના આધ્યાત્મિક વારસા, કલા અને સંગીતથી સમૃદ્ધ બનાવે છે. જ્યારે હાઈ કમિશન ભારતના રાજદ્વારી મિશન તરીકે સેવા આપે છે. તેમણે કહ્યું હતું કે, ભવન “એક ઘર, માર્ગદર્શક, એક શિક્ષક” છે જે આત્માને પોષણ આપે છે અને ભારત અને યુકે વચ્ચે “જીવંત સેતુ” તરીકે કાર્ય કરે છે.

ખાસ મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા હેરોના મેયર કાઉન્સિલર અંજના પટેલે 1977માં ધ ભવનના નાટક વિભાગમાં પોતાના પ્રથમ ગુજરાતી નાટક, અમે બરાફના પંખી માટે તાલીમ લીધી હોવાની યાદો શેર કરી અને અન્ય ક્ષેત્રોમાં યુવા પેઢીઓ સુધી તેનો વિસ્તરણ થાય તે માટે આગ્રહ કર્યો હતો. તેમણે યુવા પેઢીઓને વધુ સક્રિય રીતે જોડવા માટે હેરો જેવા ક્ષેત્રોમાં ધ ભવનની પહોંચનો વિસ્તાર કરવા હાકલ કરી હતી.

હેમરસ્મિથ અને ફુલહામના મેયર કાઉન્સિલર શેરોન હોલ્ડરે 19મી સદીથી બરોમાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરી, ધ ભવનને તે વારસાનો “જીવંત પુરાવો” ગણાવ્યું હતું.

સાંજની શરૂઆત એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. એમ.એન. નંદકુમાર, એમબીઈના નેતૃત્વમાં વિશ્વ શાંતિ માટે પ્રાર્થના સાથે થઈ હતી.  ત્યારબાદ ટ્રસ્ટી વિનોદ ઠકરારે સૌનું સ્વાગત કર્યું હતું. ચેલારામ ગ્રુપના વાઇસ ચેરમેન પ્રકાશ ભૂપતકરે સ્વતંત્રતા દિવસને એક વ્યક્તિગત સીમાચિહ્નરૂપ ગણાવ્યો હતો. જેમાં સાંસ્કૃતિક વારસાને સમુદાય સેવા સાથે જોડવામાં આવ્યો. ભવનના ટ્રેઝરર કૌશિક નથવાણીએ આભારવિધિ સાથે ભાષણોનો અંત કર્યો હતો.

સાંસ્કૃતિક કાર્યક્રમમાં સારે જહાં સે અચ્છા ગીત, ડૉ. નંદકુમાર દ્વારા લખાયેલ ગીત વંદે ભારત માતરમ અને એકલા ચલો રે જેવા ગીતો અને ભવનના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. સાંજનું સમાપન રાષ્ટ્રગીત સાથે થયું હતું.

 

LEAVE A REPLY