નવી દિલ્હીસ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીઝ ખાતેના ડાયરેક્ટર ડો. રણદીપ ગુલેરિયાએ શનિવારે જણાવ્યું હતું કે, ભારતમાં કોરોના સામે બાળકોને સુરક્ષિત રાખવા માટેનું રસીકરણ સપ્ટેમ્બર સુધીમાં શરૂ થાય તેવી સંભાવના છે. કોરોનાના સંક્રમણને તોડવા માટે આ એક મહત્વનું પગલું હશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારત બાયોટેક દ્વારા બાળકોની રસી માટે પરીક્ષણ થઈ રહ્યા છે અને તેના પરિણામો સપ્ટેમ્બર સુધીમાં જાહેર થશે. ફાઈઝરની રસીને અગાઉ મંજૂરી મળી ચૂકી છે. બીજી તરફ ઝાયડસ કેડિલાએ પણ 12 થી 18 વર્ષના બાળકો માટેનુ પરીક્ષણ પૂર્ણ કરી લીધું છે. અમદાવાદની આ કંપનીએ 1 જુલાઈએ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માગી હતી, જેના પર હજુ કાર્યવાહી ચાલી રહી છે.
ભારતમાં 42 કરોડ લોકોને રસી અપાઈ છે અને સરકાર આ વર્ષના અંત સુધીમાં તમામ પુખ્ત વયના નાગરિકોનુ રસીકરણ પૂર્ણ કરવા ઇચ્છે છે. જોકે ત્રીજી લહેરની ચિંતા વચ્ચે હજી બાળકો માટેની એક પણ રસીને મંજૂરી અપાઈ નથી. આ જ કારણે લોકો પણ બાળકોને સ્કૂલમાં મોકલવા બાબતે ચિંતિત છે. ડો.ગુલેરિયાએ કહ્યું હતું કે, એકવાર બાળકોની રસી ઉપલબ્ધ થઈ જાય પછી સ્કૂલોને તબક્કવાર શરુ કરવી જોઈએ. તેનાથી બાળકોને વધારે સુરક્ષા મળશે અને વાલીઓમાં પણ ભરોસો વધશે.