બ્રિટિશ યુનિવર્સિટીઝમાં અભ્યાસ માટે આવતા ભારતીય વિદ્યાર્થીઓ સૌથી વધુ લંડનને પસંદ કરે છે. વર્ષ 2018-19માં લંડન ત્રીજા નંબરનું સૌથી મોટું ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માર્કેટ હતું, તે વર્ષ 2019-20માં બીજા ક્રમે હતું. હાયર એજ્યુકેશન સ્ટેટિસ્ટિક્સ એજન્સી (હેસા) દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા મુજબ, લંડનની યુનિવર્સિટીઝમાં 13,435 ભારતીય વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, જે ગત વર્ષના 7,185 વિદ્યાર્થીઓ કરતાં 87 ટકા વધારે છે. અગાઉ વર્ષ 2017-18માં ચોથા સ્થાને આવી ગયા બાદ, આ નવા આંકડાને ભારત માટે ‘વૃદ્ધિનો પ્રભાવશાળી સમય’ માનવામાં આવ્યો છે. લંડનના મેયરની ઇન્ટરનેશનલ ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પ્રમોશન એજન્સી- એજ્યુકેશન એન્ડ ટેલેન્ટની લંડન એન્ડ પાર્ટનર્સ (L&P)નાં ડાયરેક્ટર લાલેજ ક્લેએ જણાવ્યું હતું કે, ‘આ નવા આંકડા લંડનમાં વિશ્વની અગ્રણી યુનિવર્સિટીઝ હોવાની પ્રતિષ્ઠિત સાબિતી આપે છે.’
ક્લેએ વધુમાં જણાવ્યું હતું કે, ‘લંડનની પસંદગી કરતા ભારતીય વિદ્યાર્થીઓની આશ્ચર્યજનક વૃદ્ધિ એ દર્શાવે છે કે, યુકેના પાટનગરમાં અભ્યાસ કરવાનો મોટી તક મળે છે અને બે વર્ષના અભ્યાસ પછી સાથોસાથ યુકેમાં રહેવાનો વિકલ્પ પણ ખુલે છે.’પછી તે ફેશન હોય, નાણાકીય અર્થશાસ્ત્ર, એકાઉન્ટન્સી અથવા કલાનો ઇતિહાસ હોય, સંભવિત આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જાણે છે કે તેઓ જ્યારે લંડનને પસંદ કરે છે, ત્યારે તેઓ અન્ય ક્યાંય ન હોય તેવું ઉચ્ચ કક્ષાનું શિક્ષણ અને સાંસ્કૃતિક અનુભવની પસંદગી કરી રહ્યા છે. ’ ચીને 29,940 વિદ્યાર્થીઓ સાથે રેન્કિંગમાં પ્રથમ ક્રમ જાળવી રાખ્યો છે, જ્યારે અમેરિકા 7,245 વિદ્યાર્થીઓ સાથે ત્રીજા સ્થાને છે. એલ એન્ડ પી નોંધ પ્રમાણે, ભારતીય વિદ્યાર્થીઓના 2019-20ના આંકડા 2017-18ની સરખામણીએ ‘અભૂતપૂર્વ’ 152 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. યુકે સરકાર દ્વારા ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓને બે વર્ષના અભ્યાસ પછી રહેવા માટે વિઝા આપવાની નીતિથી ભારતીય વિદ્યાર્થીઓને અરજી કરવા માટે પ્રોત્સાહન મળ્યું હોય શકે છે. જે અંતર્ગત વિદેશી ગ્રેજ્યુએટસને તેમના અભ્યાસ પછી રોજગારની મેળવવા માટે વધુ સમય રહેવાની મંજૂરી મળે છે.’ સમગ્ર આંકડા જોઇએ તો યુકેની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં 55, 465 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, જે અંતર્ગત આ વિદ્યાર્થીઓ માટે ઇંગ્લેન્ડ સૌથી મુખ્ય પસંદગી છે, ત્યારબાદ સ્કોટલેન્ડ અને પછી વેલ્સ અને નોર્ધન આયર્લેન્ડ છે. ઇંગ્લેન્ડની ઉચ્ચ શિક્ષણના આંકડા માટેની સંસ્થા- HESA દર્શાવે છે કે, ગત શૈક્ષણિક વર્ષમાં લંડનની યુનિવર્સિટીઝમાં વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા 8.4 ટકા વધીને 135, 490 પર પહોંચી હતી, જે ગત વર્ષ કરતા સૌથી વધુ ઉચ્ચ સ્તરે નોંધાઇ છે. જે સતત સાતમા વર્ષે લંડનમાં વિદેશી વિદ્યાર્થીઓના ધસારાને દર્શાવે છે, એલ એન્ડ પીના જણાવ્યા મુજબ જે વિદેશી વિદ્યાર્થીઓમાં લંડનનું વધતું જતું આકર્ષણ પ્રતિબિંબિત કરે છે.